બિહારના છપરામાં ઝેરી દારૂના કારણે 40 લોકોના મોતનો મામલો હાલ ગરમાયો છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વિપક્ષ સતત નિશાન સાધી રહ્યું છે અને દારૂબંધીને નિષ્ફળ ગણાવી રહ્યા છે. વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ ગેરકાયદે સ્પિરિટ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે દારૂના વેપારીઓને વેચવામાં આવતી હતી. આમાંથી તૈયાર થયેલો દારૂ ત્રણ ડઝનથી વધુ લોકોના મોતનું કારણ બન્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, થોડા મહિના પહેલા મશરક પોલીસે મોટી માત્રામાં ગેરકાયદે સ્પિરિટનો જથ્થો જપ્ત કર્યો હતો. તેઓનું કહેવું છે કે એક ડ્રમમાં સ્પિરિટ રાખવામાં આવ્યું હતું. પોલીસે તેને દારૂના વેપારીઓને વેચી દીધો હતો. આ સ્પિરિટનો ઉપયોગ ઝેરી દારૂ બનાવવા માટે થતો હોવાની ચર્ચા છે. જોકે ઉચ્ચ અધિકારીઓ આવા કોઈ મામલાને નકારી રહ્યા છે. જણાવી દઈએ કે નકલી દારૂથી મોતના મામલાની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. એક વધારાના એસપી આ ટીમનું નેતૃત્વ કરશે.
ભાજપના સાંસદોએ ગુરુવારે ફરી એકવાર લોકસભામાં બિહારમાં નકલી દારૂના સેવનથી થયેલા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદોએ તેને સામૂહિક હત્યા ગણાવી બિહાર સરકાર સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. ઝીરો અવર દરમિયાન, રાજીવ પ્રતાપ રૂડી અને પશ્ચિમ ચંપારણના બીજેપી સાંસદ સંજય જયસ્વાલ સાથે આરોપ લગાવ્યો કે રાજ્યમાં અત્યાર સુધીમાં આવી 15 થી વધુ ઘટનાઓ બની ચુકી છે.
વિધાનસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપતા નીતીશ કુમારે કહ્યું કે, ‘જે નકલી દારૂ પીશે તે મરશે જ, લોકોએ પોતે જ સાવધાન રહેવું પડશે.’ નીતીશે કહ્યું કે કેટલાક લોકોનું શું થઈ શકે છે. કેટલાક લોકો ભૂલો કરે છે. જે દારૂ પીશે તે ચોક્કસ મૃત્યુ પામશે.
વધુમાં નીતીશ કુમારે કહ્યું, ‘જ્યારે બિહારમાં દારૂબંધી ન હતી ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ નકલી વેચશે, લોકો તેને પીને મૃત્યુ પામ્યા છે.’ નીતીશ કુમારે કહ્યું કે દારૂ એ ખરાબ આદત છે તેને ન પીવું જોઈએ.