અમેરિકાના મિઝોરી સ્ટેટના સેન્ટ લુઈસમાં એક વ્યક્તિએ KFC (કેન્ટુકી ફ્રાઈડ ચિકન) સ્ટોરમાં કામ કરતા કર્મચારીને જ ગોળી મારી દીધી. રિપોર્ટ અનુસાર, ગોળી મારવાનું કારણ એ હતું કે ગ્રાહકે સ્ટોરના કર્મચારી પાસેથી કૉર્ન (બાફેલી મકાઈ) માંગી અને સ્ટોરમાં કૉર્ન ખતમ થઈ ગઈ હતી. ગુસ્સે થયેલા ગ્રાહકે કશું પણ જોયા સમજ્યા વિના તરત જ કર્મચારીને ગોળી મારી દીધી. સ્ટોર કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતિ સારી છે.
જણાવવામાં આવ્યું હતું કે આ મામલો સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યાનો છે. એક 40 વર્ષીય વ્યક્તિ તેની કારમાં બેઠો હતો અને રસ્તાની બાજુના KFC સ્ટોરમાંથી ખાવાની વસ્તુઓ લઈ રહ્યો હતો. ગ્રાહકે જયારે કૉર્ન માંગી ત્યારે મામલો વણસી ગયો. સ્ટોરના કર્મચારીએ કહ્યું કે કોર્ન ખતમ થઈ ગઈ છે. આ સાંભળીને આ વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને કર્મચારી સાથે દલીલ કરવા લાગ્યો.
તેણે પોતાની કારમાંથી સ્ટોર કર્મચારીને બંદૂક બતાવી. બંદૂક અને ગ્રાહકનો ગુસ્સો જોઈને સ્ટોરનો કર્મચારી તેની સાથે વાત કરવા બહાર આવ્યો. બંને વચ્ચે ઝઘડો થયો અને ગ્રાહકે કર્મચારીને ગોળી મારી દીધી. સ્ટોર કર્મચારી ઘાયલ થયા બાદ KFC સ્ટોર પર પાછો ફર્યો. ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર હવે તેની તબિયત સ્થિર છે.
પોલીસે જણાવ્યું છે કે KFC સ્ટોરના કર્મચારીને ગોળી માર્યા બાદ ગ્રાહક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.