ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખીને નર્મદામાં આડેધડ નિયમ વિરુધ્ધ થતું રેત ખનન અટકાવવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છેકે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા સહિતના વિસ્તાર માંથી વહેતી નર્મદા નદીમાં પાછલા લાંબા સમયથી આડેધડ થઈ રહેલા રેત ખનનતથા ઓવરલોડ વહન અને તેનાથી થતા માર્ગ અકસ્માતનો વિવાદ જોવા મળે છે. આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્રિય મંત્રાલયમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નર્મદા નદીનું આધ્યાત્મિક રીતે મોટું મહત્વ રહેલું છે. રેત માફિયાઓ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ૨૫ થી ૩૦ ફુટ જેટલી ઉંડાઈ સુધી મશીનો દ્વારા રેત ખનન કરે છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી નદીની આસપાસના નાના મોટા છોડ તેમજ વૃક્ષોને નુકશાન થાય છે અને નર્મદા નદીનુ સોદર્ય ખતમ થઈ રહયુ છે. રેત ખનનના કારણે થતાં ખાડાઓમાં કેટલાય લોકો ડુબી ગયા હોવાની ઘટનાઓ પણ બની છે.
રેતી વાહક કેટલાય વાહનો રોયલ્ટી ભર્યા વિના તેજ રફતારથી ભાગતા હોય છે તેના કારણે ઘણીવાર જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે. રેત માફિયાઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી નદીના બન્ને કાંઠાઓની આસપાસના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રજુઆતમાં વધુમાં જણાવાયું હતું કે નિયમ વિરુધ્ધના રેત ખનન બાબતે સંસદમાં પણ રજુઆત કરવામાં આવી હતી. અસરકર્તા ગ્રામજનો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનન બાબતે ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે. રેત માફિયાઓની મોટા રાજકીય નેતાઓ સાથે મિલીભગત હોવાના ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે મિલીભગતના કારણે અધિકારીઓ આ બાબતે કોઈ પગલા લઈ શકતા નથી એમ રજુઆતમાં સાંસદ દ્વારા જણાવાયું હતું. તેમજ કોઇવાર માત્ર દેખાવ પુરતા પગલા લેવાતા હોવાનું પણ જણાવ્યું હતું. ગેરકાયદેસર રેત ખનન બાબતે તાત્કાલિક કડક પગલા ભરાય એવી પત્રમાં સાંસદે માંગ કરી હતી.રજુઆતની નકલ રાજ્યના મુખ્ય સચિવ તેમજ જળ સંપત્તિ સચિવને પણ મોકલવામાં આવી હતી.સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના પટમાં આડેધડ થઈ રહેલ રેત ખનન બાબતે લાલ આંખ કરતા હવે સંબંધિત તંત્ર પણ દોડતુ થશે એમ જાણવા મળ્યુ છે.
દીપક જગતાપ, રાજપીપલા