ભરૂચ શહેરના મધ્યમાં આવેલ નગરપાલિકા સામેના જ ડ્રિમલેન્ડ પ્લાઝાના પ્રથમ માળે ગત રાત્રીના સમયે જર્જરિત ઇમારતનો કેટલોક હિસ્સો તૂટીને પડતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, તો શોપિંગ પાસે જ પાર્ક કરવામાં આવેલ બે થી ત્રણ વાહનોને નુકશાની થઇ હોવાની ઘટના સર્જાઈ હતી.
દિવસ દરમિયાન સતત લોકોથી ધમધમતા ડ્રિમ લેન્ડ પ્લાઝા ખાતે રાત્રીના સમયે ઘટના સર્જાતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી,અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકાના સામેના જ ભાગે આ ઇમારત આવી છે, તેમજ ભૂતકાળમાં પણ આ ઇમારતનો જર્જરિત હિસ્સો ધરાસાઈ થયો હોવાની ઘટના સર્જાઈ ચુકી છે, તેવામાં વધુ એકવાર ઇમારતનો જર્જરિત હિસ્સો તૂટી પડવાની ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટનો માહોલ છવાયો છે.
ડ્રિમલેન્ડ પ્લાઝા ખાતે અનેક વેપારીઓ તેમજ કલીનીક આવેલા છે,જ્યાં રોજિંદા સમયે અસંખ્ય લોકોની અવરજવર થતી હોય છે, તેવામાં અવારનવાર આ શોપિંગ ખાતે જર્જરિત સ્લેબનો ભાગ તૂટી જવાની ઘટનાઓ સર્જાઇ રહી છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય માટે તંત્ર દ્વારા પણ જર્જરિત ઇમારતનો ભાગ સિલ કરી તેનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ સમગ્ર ઘટના ક્રમ બાદથી ઉઠી રહી છે.
હારુન પટેલ : ભરૂચ