ભરૂચ જિલ્લાની વાગરા, જંબુસર, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈ સસ્પેન્સ છેલ્લી ઘડી સુધી ચાલ્યું હતું. ટિકિટોની ફાળવણી મધરાતે ઉમેદવારોના મોબાઈલ રણકવા સાથે કરાઈ હતી. પાર્ટીના વિશ્વાસને સાર્થક કરતા ચૂંટણીમાં ભાજપે પાંચેય બેઠકો ઉપર ભારે સરસાઈથી વિજય થઈ ઇતિહાસ સર્જી દીધો છે. ચૂંટણી જીત્યા બાદ ભરૂચના 5 ધારાસભ્યોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શપથ ગ્રહણ અને મંત્રીપદને લઈ ફરી ઉત્તેજના અને આતુરતા જોવા મળી હતી. આખી રાત પ્રદેશ કાર્યાલયના ફોનનો ઇંતેજાર કરનાર જિલ્લાના એકપણ ધારાસભ્યનો ફોન સવાર સુધી ન રણકતા મંત્રી પદની યાદીમાં પત્તુ કપાયું હોવાનું તમામાએ સ્વીકાર્યું છે. જોકે જિલ્લામાં પાંચ ટર્મ સુધીની સિનિયોરીટી ધરાવતા ધારાસભ્યોની અનદેખીથી જિલ્લાના કાર્યકરમાં નિરાશા પણ જોવા મળી હતી.
ભરૂચ જિલ્લાના પાંચ ધારાસભ્યો ભરૂચના રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના અરૂણસિંહ રણા, જંબુસરના ડી.કે.સ્વામી અને ઝઘડિયાના રીતેશ વસાવામાંથી કોને મંત્રી બનાવાય છે તેની અટકળો સાથે ચર્ચાઓએ જોર પકડયું હતું. ભરૂચ જિલ્લામાં અગાઉ બિપીનભાઈ શાહ, છત્રસિંહ મોરી અને ઈશ્વરભાઈ પટેલ મંત્રીપદ સંભળી ચુક્યા છે તો દુષ્યંત પટેલને નાયબ દંડકનો કાર્યભાર સોંપાયો હતો. મંત્રીપદની રેસમાં વાગરાના અરૂણસિંહ રણા જીતની હેટ્રિક તો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ પાંચ ટર્મની સિનિયોરિટીના આધારે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા. ભરૂચના રમેશ મિસ્ત્રીએ ત્રણ ટર્મ બાદ ફરી ટિકિટ હાંસલ કરી શક્તિનો પરચો દેખાડી દીધો હતો. રાજ્યમાં માત્ર બે સંતને ટિકિટ અપાઈ હતી યોગી આદિત્યનાથના નિકટના સંત માનવામાં આવતા જંબુસરના સંત ડી.કે.સ્વામી પણ રેસમાં હતા તો ૭ ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાને પરાજિત કરનાર ઝઘડિયાના રીતેશ વસાવા પણ રેસમાં બાકાત ન હતા.
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતવિસ્તસરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની આ પાંચમી ટર્મ છે. તેઓ અગાઉ સહકાર, રમતગમત મંત્રી રહી ચૂક્યા છે. ઈશ્વર પટેલે સગા ભાઈને પરાજય આપ્યો હતો. વાગરા વિધાનસભા બેઠક ઉપર અરૂણસિંહ રણા ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓ ભરૂચ એપીએમસી અને ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના ચેરમેન સાથે વર્ષોથી સહકાર ક્ષેત્રે સંકળાયેલા છે. સાથે જ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ખાસ હોય રાજ્યના સહકાર મંત્રીનું પદ મેળવે તેમ દેખાતું હતું.વર્ષ 2002 થી 2007 માં ભરૂચના ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ મિસ્ત્રી 2022 માં જિલ્લામાં સૌથી વધુ 64 હજાર મતોથી ભવ્ય વિજયી થયા છે. તેઓ સંઘ અને સંગઠન સાથે જોડાયેલા અને અસરકારક કામગીરી કરી છે.