વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટેના પ્રખરતા શોધની કસોટી લેવાશે. કસોટી માટેના આવેદનપત્રો ઓનલાઇન તારીખ 30 મી, ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-9ના વિદ્યાર્થી માટે પ્રખરતા શોધ ક્સોટીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખરતા શોધ કસોટી આગા તારીખ 7 મી, ફેબ્રુઆરી-2023 ના રોજ લેવાશે.
આથી પ્રખરતા શોધ કસોટી આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફક્ત ઓનલાઇન જ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો આગામી તારીખ 15 મી, ડિસેમ્બરથી તારીખ 30 મી, ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની વેબસાઇટ ઉપર પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી વિગતો મુકાઇ છે. આથી નિયત સમયમર્યાદમાં વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા શિક્ષણ બોર્ડના પરીક્ષા નિયામક એમ.કે.રાવલે આદેશ કર્યો છે. આ પ્રકારની કસોટીઓથી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાનો ખ્યાલ મેળવી શકાશે તેમજ વિદ્યાર્થીઓમાં પણ આત્મવિશ્વાસનો વધારો થશે. જેનાથી તેમને પોતાના કરિયર બિલ્ડિંગમાં પણ વેગ અને પ્રોત્સાહન મળી રહેશે.