બ્રિટિશ એક આઇલેન્ડ જર્સીની રાજધાની સેન્ટ હેલિયરમાં શનિવારે સવારે એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ડઝન લોકો ગુમ હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટની આગલી રાત્રે ગેસની દુર્ગંધ આવી રહી હતી.
જોકે, અત્યારે આ ઘટનાને આતંકવાદી ઘટના સાથે જોડવામાં આવી રહી નથી. પરંતુ પોલીસ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, પોલીસને સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગ્યે આ ઘટનાની જાણ થઈ. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક રવાના કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
જર્સીના પોલીસ ચીફ ઓફિસર રોબિન સ્મિથનું કહેવું છે કે આગને કારણે ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. તેમણે આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી.
તેમણે કહ્યું કે આગ લાગ્યા બાદ આ બ્લોકના ઘણા ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા. અહીં રહેતા 20 થી 30 લોકોને નજીકના ટાઉન હોલમાં ખસેડવામાં આવ્યા હતા.