સુરેન્દ્રનગર – વઢવાણ શહેરનાં માર્ગો પર ડમ્પરો સહિતના ભારે વાહનો દોડી રહ્યા છે. ત્યારે આવા વાહનોમાં ઓવરલોડ માલસામાન જે રસ્તા પર પડે છે તેના કારણે લોકોને અકસ્માતના ભય સાથે જીવનું જોખમ થતું હોવાની બૂમરાણો ઊઠી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લઇને કાર્યવાહી કરવા લોકમાગ ઊઠી છે.
સુરેન્દ્રનગર – વઢવાણ શહેરમાં ડમ્પરો ઓવરલોડ માલ ભરીને બેફામ દોડી રહ્યાં છે. બીજી તરફ વઢવાણ શહેરના ગેબનશાપીર સર્કલથી લઇને મુખ્ય માર્ગોથી લઇને છેક ધોળીપોળ સુધી પસાર થવા માટે આવા વાહનચાલકો ભારે વાહનો લઇને વિદ્યાર્થીઓના સ્કૂલો, સ્વામિનારાયણ મંદિર ઢાળ, ન્યાયલકરણ, રેલવે ફાટકથી માળોદ રોડ વગેરે માર્ગો પરથી નીકળી પડે છે. પરંતુ આવા ભારે વાહનોમાં ઓવરલોડ કપચી સાથે મોટી મેટલ ભરી હોવાથી રસ્તા પર પડી જાય છે. તેમાંય ખાસ કરીને જ્યારે રસ્તા પરના બમ્પ આવે ત્યારે વધુ પ્રમાણમાં આવો માલસમાન પડતો હોય છે. જેના કારણે પાછળથી આવતા નાના મોટા વાહનોના ચાલકોને અકસ્માત સાથે જીવનુ જોખમ થઇ જાય છે. કેટલાક બનાવોમાં તો ટુ વ્હીલર વાહનો પણ સ્લીપ થઇ જાય છે. આ અંગે જેરામભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર વગેરે જણાવ્યું કે, આ રસ્તાઓ પર લગભગ 5 થી વધુ શાળાઓ આવેલી છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાઈકલ લઇને શાળાએ આવતી હોય છે. પરંતુ ભારે વાહનો અને તેમાંથી પડતી કપચી કે મેટલના કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.