વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલા જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમ અન્વયે કમાટી બાગમાં બાળકો સાથે એમના વાલીઓને પણ આનંદ કરાવતી જોય ટ્રેઈન પણ મતદાતા જાગૃતિનું માધ્યમ બની છે.
કમાટી બાગમાં આવેલી જોય ટ્રેનનો રોજબરોજ અનેક મુલાકાતીઓ લાભ લે છે. ખાસ કરીને વાલીઓ પોતાના બાળકો લઇને અહીં આનંદપ્રમોદ માટે આવે છે. ત્યારે, આ વાલીઓ પણ મતદાન કરવા માટે પ્રેરાય એ માટે આ જોય ટ્રેનમાં અવસર અભિયાનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જે જોય ટ્રેનના ડબ્બામાં આ પોસ્ટર મૂકવામાં આવ્યા છે. વડોદરાના મતદારો આગામી તા. ૫-૧૨-૨૨ ના રોજ સવારે ૮ થી ૫ વાગ્યા દરમિયાન મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. મતદાર જાગૃતિની આ જોય ટ્રેઇનને અવસર અભિયાનના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિએ ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
શહેરી વિસ્તારોના મતદારોની મતદાન કરવા પ્રત્યેની ઉદાસીનતા દૂર કરવા માટે સતત પ્રયત્ન કરી રહેલા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાનની હારમાળા અંતર્ગત ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે શહેરના ઇનઓરબીટ મોલ ખાતે વીઆઇઇઆર સંસ્થાના છાત્રો દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. છાત્રોની ટૂકડી દ્વારા સાવ અચાનક જ નૃત્ય કરી ત્યાં શોપિંગ કરવા માટે આવેલા મતદારોને મતદાન કરવા માટે પ્રેર્યા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં યોજનારી વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ), એરટેલ અને વી કંપનીના સીમકાર્ડ ધારકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ. બી. ગોરના નામજોગ મારો મત, મારો અધિકાર, તા. ૫-૧૨-૨૨ના રોજ મતદાન કરવાનું ભૂલશો નહીંના સંદેશાઓ એસએમએસ દ્વારા મોકલવામાં આવ્યા છે. આવા ૧૫ લાખ ગ્રાહકોને તબક્કાવાર મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જેનાથી દસેય વિધાનસભાના બેઠકના તમામ મતદારોને મતદાન કરવા માટેની પ્રેરણા આપવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.