જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ મતદાર અને મતદાન જાગૃતિ માટે અવસર લોકશાહીનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નોડલ અધિકારી-માઇગ્રેટરી ઇલેક્ટર્સ અને નાયબ શ્રમ આયુક્તની કચેરી દ્વારા વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાંધકામ શ્રમયોગીઓ, ડીલીવરીની સેવામાં કામ કરતા શ્રમયોગીઓ, ખેત મજુરો, ઇંટના ભઠ્ઠાના શ્રમયોગીઓ, રીક્ષા ડ્રાઇવર, શાકભાજી વેચતા અસંગઠીત શ્રમયોગીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ શિબિર દરમ્યાન અસંગઠીત શ્રમયોગીઓ દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે જાગૃત કરી શ્રમયોગીઓ અને તેમના કુટુંબીજનો અચુક મતદાન કરવા માટે શપથ લીધા હતા.
વધુમાં બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ-૧૯૯૬ તથા કોન્ટ્રાક્ટ લેબર – ૧૯૭૦ હેઠળ વડોદરા જિલ્લામાં નોંધણી થયેલ દરેક સંસ્થાને પત્ર લખી સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) ની જોગવાઇ અનુસાર સવેતન રજા આપવા જણાવાયુ છે. આ જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો અધિનિયમની જોગવાઇઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારી-માઇગ્રેટરી ઇલેક્ટર્સ, એ. એન. ડોડીયા, નાયબ શ્રમ આયુક્ત, વડોદરા., ફોન નં:૦૨૬૫-૨૪૨૪૧૮૫, નાયબ શ્રમ આયુક્તની કચેરી, સી-બ્લોક, નર્મદા ભવન, પાંચમો માળ, જેલ રોડ, વડોદરાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.