વડોદરા શહેર-જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તડામાર તૈયારીઓ વચ્ચે વડોદરા તથા મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના દિવ્યાંગ તેમજ વરિષ્ઠ મતદારોને મતદાન વેળા તમામ સુવિધા મળે તેના માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. અવસર અભિયાન હેઠળ ૧૦૦ ટકા અને સમાવેશી મતદાન થાય તે માટે નિરીક્ષક રેમ્યા મોહને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા ચૂંટણી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં રેમ્યા મોહને મતદાર જાગૃતિ માટે યોજાયેલા કાર્યક્રમ અને અભિયાનોની વિગતો મેળવી સમીક્ષા કરી હતી. તેમજ વડોદરા જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો મેળવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે યોજાયેલા કાર્યક્રમો અને વ્યવસ્થાપનની માહિતી મેળવી સંતોષ વ્યક્ત કરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોના મતદાનને સુલભ અને સરળ બનાવવા માટે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. સમાજ સુરક્ષા અધિકારીશ્રી મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મતદાનના દિવસે એન.એસ.એસ.ના યુવાનો દિવ્યાંગો તેમજ મૂકબધિર મતદારો મદદ કરશે અને આ માટે તેમને તાલીમબદ્ધ પણ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં મૂકબધિર તેમજ દિવ્યાંગ મતદારોના પ્રતિનિધિશ્રીઓએ પણ જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમની સુવિધા માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓને મતદાન અને તે માટેની સુવિધામાં કોઈ સંદેહ તેમજ કચાશ ન હોવાનું ચૂંટણી નિરીક્ષકને જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના નોડલ ઓફિસર, સમાજ સુરક્ષા અધિકારીઓ, જિલ્લા કક્ષાના એક્સેસેબલ વોટર્સના નોડલ અધિકારીશ્રીઓ, મૂકબધિર તેમજ દિવ્યાંગ મતદારોના એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.