ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક ચારેક દિવસ પહેલા એક લક્ઝરી બસના ડ્રાઇવર કંડકટરને લુંટી લેવા બાબતની ફરિયાદ ઉમલ્લા પોલીસમાં લખાવા પામી હતી. પોલીસ ફરિયાદમાં દર્શાવાયેલ કથિત આરોપીઓમાં રાયસીંગપુરા ગામના આકાશ વસાવા નામના યુવકનું પણ વોન્ટેડ આરોપી તરીકે નામ હતું. દરમિયાન પરમદિવસે સાંજના આકાશે ગામ નજીક ખાડી પાસે એક ઝાડ પર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ તેમજ ગામના અન્ય ચાર આગેવાનો દ્વારા મરનાર યુવકને ધમકી આપી હોઇ તેણે આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ આપી હતી.
દરમિયાન આજરોજ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓના વિવિધ ગામોના સરપંચો, તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો તેમજ અગ્રણીઓએ ઉમલ્લા પીએસઆઇ એન.જે.ટાપરીયાને લેખિતમાં આવેદન આપી રજુઆત કરી હતી કે રાયસીંગપુરાના યુવક આકાશ વસાવાએ આત્મહત્યા કરી જીવતર ટુંકાવ્યુ તે ખરેખર દુખદ છે. મરનાર યુવકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ તેમજ અન્ય આગેવાનોનું નામ આરોપીઓ તરીકે લખાવાયુ તે ખોટી રીતે લખાવાયું છે. આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે વિધાનસભાની ચુંટણી યોજાનાર છે અને તેમાં પ્રકાશભાઇ દેસાઇ સક્રીય રીતે કામગીરી કરતા હોઇ રાજકીય વિરોધ પક્ષ તરફથી પ્રકાશભાઇ દેસાઇ તથા આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે અનેક પ્રકારના કાવાદાવા અને યુક્તિ પ્રયુક્તિ કરવામાં આવી રહેલ છે, ત્યારે કેટલાક વિરોધ પક્ષના ઇસમો દ્વારા સદર બનાવને એક રાજકીય મુદ્દો બનાવવાના હેતુથી મરનાર યુવકના ઘરનાઓને યેનકેન પ્રકારે દબાણમાં લાવીને તેમજ આર્થિક પ્રલોભનોના નેજા હેઠળ પ્રકાશ દેસાઇ તેમજ અન્ય આગેવાનો વિરુધ્ધ ખોટા આક્ષેપો કરીને રાજકીય કિન્નાખોરીથી ખોટા આરોપ મુકવામાં આવ્યા હોવાની રજુઆત કરવામાં આવી હતી. આમ રાયસીંગપુરા ગામના યુવકના આત્મહત્યા પ્રકરણમાં થયેલ ફરિયાદ બાબતે આ આવેદનથી નવો વળાંક જોવા મળ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ