વયોવૃદ્ધ મતદારોને શારિરીક રીતે અશક્ત હોવાના કારણે મતદાન મથક સુધી પહોંચવા અન્ય પર નિર્ભર રહેવું પડતું હોય છે. આજે ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ બનતા ૮૪ વર્ષના મતદાર પુરુષોતમભાઇ ડાભીએ જિલ્લા ચૂંટ્ણી અધિકારીને અભિનંદન આપ્યા મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હર્ષોલ્લાસની લાગણી સાથે ડાભીએ ચૂંટણીપંચનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે બી.એલ.ઓ. અને તેમની ટીમ મત કુટિર અને પોસ્ટલ બેલેટ સાથે પહોંચે છે નક્કી કરાયેલા મતદારોના ઘરે -ઘરે ટેમ્પરરી મતદાન મથક ઉભું કરવામાં આવે છે અને મતદાર પોસ્ટલ બેલેટથી ગુપ્ત મતદાન કરે છે. ઘર બેઠા મતદાનમાં ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ તેમજ વીડિયોગ્રાફી માટે કેમેરામેન પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે. ખેડા જિલ્લામાં દિવ્યાંગ અને અશક્ત વયોવૃદ્ધ મતદાતાઓ માટે શરુ થયેલ ઘરે બેઠા મતદાનની પહેલના ભાગરૂપે ખેડા જિલ્લા ચૂંટણી પંચ દ્રારા ૧૧૫-માતર વિધાનસભાના પીજ ખાતે રહેવાસી મતદાર લલીતાબેન પટેલ ઉ.વ. ૮૪ અને ઉ.વ.૮૪ વયના મતદાર પુરુષોતમભાઇ ડાભીના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું.
મતદાર પુરુષોતમભાઇ ડાભીના પગના ભાગમાં ગંભીર તકલીફ હોવાના કારણે તેઓ વોકરના સહારે ચાલે છે. જ્યારે લલીતાબેન પટેલના ઘૂંટણમાં તકલીફ હોવાથી વધારે અંતર સુધી ચાલવામાં તેઓ પણ તકલીફ અનુભવે છે .આ શારિરીક અક્ષમતા જોતા ચૂંટણી તંત્ર દ્વારા તેમને ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર મતદાન પ્રક્રિયાને ગુપ્ત અને પારદર્શક રીતે અનુસરવામાં આવી હતી. ચૂંટણી પંચની આ નવીન પહેલથી મતદારો અને તેમના પરિવારજનો ખુબ ખુશીની લાગણી અનુભવે છે. મતદાન બુથ સુધી જવામાં અક્ષમ્ય હોઈ તેઓ કોઈ મુશ્કેલી વગર ઘર બેઠા મત આપી લોકશાહીને મજબૂત કરવામાં તેમનું અનેરુ યોગદાન પૂરું પાડી રહ્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ