ભાવનગર બોટાદ જિલ્લાની નવ બેઠકો પર ૧૧ કોળી સમાજના ઉમેદવારો મેદાનમાં ભાવનગર – બોટાદ જિલ્લામાં કોળી સમાજનો દબદબો યથાવત રહ્યો છે. અહી સૌથી વધુ મતદારો કોળી સમાજના છે. આથી ત્રણેય રાજકીય પક્ષોએ કોળી સમાજના ઉમેદવારોને ટીકીટ આપી છે. ભાજપ, કોગ્રેસ અને આપના મળીને કુલ ૧૧ ઉમેદવારો કોળી સમાજના ચૂંટણી જંગમાં ઉતર્યા છે. હવે જોવાનુ એ છે કે, કોળી સમાજના મતદારો કોની પસંદગી કરે છે ? અને સમાજ કોઈની પર અહી ભરોસો મૂકે છે.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠક અને બોટાદ જિલ્લાની બે મળીને કુલ નવ બેઠકો પર ગોહિલવાડના રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે. જેમાં ભાજપે ચાર ટીકીટો ફાળવી છે. ૯ બેઠકોમાંથી ચાર ઉમેદવારોને ટીકીટ આપીને કોળી સમાજને વિશેષ પ્રતિનિધિત્વ આપ્યુ છે. આમ જોવા જઈએ તો ૫૦ ટકા હિસ્સો આપ્યો કહેવાય. જ્યારે કોગ્રેસે ત્રણ બેઠકો પર ટીકીટ આપી છે. કોંગ્રેસે ૪૦ ટકા પ્રતિનિધિત્વ આપ્યુ છે. થર્ડ ફોર્સ જોઈએ તો આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો પર ટીકીટ ફાળવી છે. આમ આપે ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપ્યું છે. કોળી સમાજના ઉમેદવારો પર નજર કરીએ તો મહુવા ખાતે ભાજપે શિવાભાઈ ગોહિલને ટીકીટ આપી છે. ભાજપે તળાજા બેઠક પર ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર (ગ્રામ્ય) બેઠક કોળી સમાજના દિગ્ગજનેતા પરષોત્તમભાઈ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પાલિતાણા બેઠક પર ભીખાભાઈ બારૈયાને ટીકીટ આપેલી છે. જ્યારે બીજી બાજુ વિપક્ષ કોગ્રેસે પાલિતાણાની બેઠક પર પ્રવિણભાઈ રાઠોડ, ગારિયાધાર બેઠક પર દિવ્યેશ ચાવડા અને ભાવનગર (પૂર્વ) બેઠક પર બળદેવ સોલંકીનો સમાવેશ થાય છે. થર્ડ ફોર્સ ગણાતી આમ આદમી પાર્ટીએ ભાવનગર (પશ્ચિમ) બેઠક પર રાજુ સોલંકી, તળાજા બેઠક પર લાલુબેન ચૌહાણ, બોટાદ બેઠક પર ઉમેશ મકવાણા મેદાનમાં ઉતર્યા છે. મહુવા બેઠક પર અશોક જોળીયાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આમ ત્રણેય રાજકીય પક્ષોની ગોહિલવાડની મુખ્ય ગણાતી કોળી સમાજની વોટ બેન્ક પર નજર છે. ૧ ડિસેમ્બરે કોળી સમાજ કોના તરફી મતદાન કરે છે. અને કોને જીતાડે ચે. સત્ય તો માત્ર આઠમી ડિસેમ્બરે મત ગણતરીના દિવસે જાણવા મળવાનુ છે.