ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં હવે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર ખૂબ જોરશોરમાં કરતા નજરે પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચની વાગરા વિધાનસભા આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, ભાજપ ફરી એક વાર આ બેઠક પર કમળ ખીલે તેવા પ્રયત્નોમાં છે, તો પોતાનું ગઢ માનનારી કોંગ્રેસ પણ હવે આ વખતે ભાજપને કઈ રીતે પરાજીત કરી ફરી વાગરા બેઠક પોતાના કબ્જામાં કરે તેવી રણનીતિમાં લાગી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
આ બધા રાજકિય માહોલ વચ્ચે આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં વાગરા વિધાનસભા બેઠકના એક અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસને નિશાને લઇ જે તે વિભાગમાં ફરિયાદ કરી છે અને આક્ષેપ કર્યો છે કે ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો એ ચૂંટણી જીતવા અને પોતાના તરફી મતદાન કરાવવા માટે ૧૦૦ કરોડ જેવી જંગી રકમનો ઉપયોગ કરી તેને વહેંચવામાં આવી રહ્યા છે.
આમ વાગરા વિધાનસભા બેઠક જીતવા માટે કરોડો રૂપિયાનો ખેલ ચાલી રહ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, તો બીજી તરફ હવે મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યા બાદ તપાસમાં શુ સામે આવે છે, તેના ઉપર સૌ કોઈ ની નજર છે, ત્યારે જોવું રહ્યું કે આ પ્રકારે કરોડોના ખેલ અંગેના કરાયેલા આક્ષેપોમાં કેટલો દમ છે કે પછી પોતાની વાહવાહી કરાવવા અને લાઇમ લાઇટમાં રહેવા માટે આ પ્રકારના આક્ષેપો થયા છે, તે તો મામલે તપાસ બાદ જ ખબર પડી શકે તેમ છે.