ખેડા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્ય ખાતે નિમાયેલા સ્પેશિયલ ઓબઝર્વરઓએ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ૩ જનરલ ઓબ્ઝર્વર, ૨ ખર્ચ ઓબ્ઝર્વર અને ૧ પોલીસ ઓબ્ઝર્વર સાથે વાતચીત કરી સમગ્ર ચુંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
સ્પેશિયલ ઓબઝર્વર અજય નાયર અને દિપક મિશ્રાએ ખેડા જિલ્લામાં છ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓની વિગતવાર જાણકારી જિલ્લા ચૂંટણી અધિકારી કે. એલ. બચાણી તથા નિરીક્ષકઓ પાસેથી પ્રાપ્ત કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીપંચની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈ.વી.એમ. સ્ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્યવસ્થા, જિલ્લામાં ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો ચુસ્ત અમલ અને ફરિયાદ નિવારણ, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિગતવાર માહિતી સ્પેશિયલ ઓબઝર્વરને આપવામાં આવી હતી. જિલ્લામાં થયેલી ચૂંટણીની તૈયારીઓ જોઈને નિરીક્ષકઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ઓવઝર્વર નલીની કઠોતિયા, સુરભી ગુપ્તા, કર્મા બોન્પો તથા તમિલવનન, ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણી, એસ.પી રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ, અને નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર ચૌહાણ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ