મતદાન જાગૃતિ માટેના અવસર અભિયાન હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ દ્વારા મતદાર જાગૃતિ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં અવસર અભિયાન વેગ પકડી રહ્યું છે.
અવસર અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરની ૧૪૪ રાવપુરા વિધાનસભા મત વિભાગમાં મતદાન જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના નકશાની પ્રતિકૃતિ રચી મતદાન અને મતદાર જાગૃતિનો અનેરો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. રાવપુરા વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારી આર.બી.પરમારે જણાવ્યું કે શહેરની રાવપુરા બેઠક પર મહત્તમ મતદાન થાય અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શહેરની ભૂતડી ઝાંપા સ્થિત જીવન સાધના શાળાના ૨૭૫ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના નકશાની પ્રતિકૃતિ રચી મતદાર જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.
રાવપુરા વિધાનસભા મતદાર વિભાગમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂમિકા પટેલ અને તેમની ટીમ દ્વારા વ્યાપક મતદાર અને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ થકી મતદાનની તારીખ ૫ મી ડીસેમ્બર,૨૦૨૨ સુધી લોકશાહીના રક્ષણ માટે મતદાન અવશ્ય કરો નો સંદેશ પહોચાડવામાં આવ્યો હતો.