સુરત જિલ્લાના અંતરિયાળ એવા આદિવાસી બહુલ ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામ ખાતે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા સ્થાનિક લોકો માટે નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિરનું આયોજન રવિવાર તારીખ 20 નવેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલના પાંચ નિષ્ણાંત ડોક્ટર હાજર રહ્યા હતા. આંખ, હાડકા, ચામડી, સ્ત્રી રોગ, શરદી-ખાંસી, તાવ જેવા સામાન્ય રોગના નિદાન અને સારવાર આપી હતી. ગામના 260 દર્દીઓને આ સ્વાસ્થ્ય કેમ્પ નો લાભ લીધો હતો. જેમાં 200 દર્દીઓને આંખની તપાસ કર્યા બાદ વિનામૂલ્યે ચશ્માં આપવામાં આવ્યા હતા અને બીજા ગ્રામજનોને વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, અદાણી ફાઉન્ડેશન અને ગ્રામજનોના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ગામના વડીલો જે ગામની બહાર જઈ નથી શકતા એમણે ખાસ લાભ મેળવ્યો હતો. આ કેમ્પ બાદ ઉમરપાડાના ચોખવાડાની આસપાસના અન્ય ગામોમાં પણ આવા કેમ્પના આયોજન માટે અદાણી ફાઉન્ડેશનને વિનંતી આવી છે. આ કેમ્પમાં મોતિયાના ૧૬ જેટલા દર્દીઓનું નિદાન થયું છે જેમને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ