નર્મદા જિલ્લાની બે વિધાનસભાઓ નાંદોદ અને ડેડીયાપાડા બેઠક ઉપર પહેલી ડિસેમ્બરે ચૂંટણી યોજવાની છે ત્યારે બંને બેઠકના ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ, બીટીપી, આમ આદમી પાર્ટી અને અપક્ષ ના ઉમેદવારો પોતાનો પ્રચાર પોતાના કુળદેવી દેવતાઓ, આરાધ્ય દેવના દર્શન કરી પોતાના પ્રચારનો શ્રી ગણેશાય કરી રહ્યા છે. તો કેટલાક ઉમેદવારો પોતાના ગોડફાધરને શરણે ગયા છે.
ચૂંટણી જીતવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાતી હોય છે. ત્યારે ધૂળિયા ગામડા ખૂંદતા ઉમેદવારોને મતદારો સામે બે હાથ જોડીને મત માંગતા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ મતદારો મલકમાં મલકાઇ રહ્યા છે. મતદારો જાણે છે કે આજે મત માંગવા આવ્યા છો ફરી પાંચ વર્ષ પછી પાછા દેખાશે કે નહીં, વચનો તો બધા આપે છે પણ કેટલા વચનો ગયા વખતે પાળ્યા, આ વખતે કેટલા પાળશો તે પણ મતદારો જાણે છે. ત્યારે ઉમેદવારો પણ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છેહે પ્રભુ તો આટલી વખત મને જીતાડી દે જે. નર્મદાના ઉમેદવારોમાં નાંદોદ બેઠકના ઉમેદવાર દર્શનાબેન દેશમુખ, હરેશ વસાવા, હર્ષદભાઈ વસાવા, પ્રફુલ વસાવા, મહેશ વસાવા આ તમામ ઉમેદવારોમાં હરસિધ્ધિને ચરણી ગયા છે. માં હરસિધ્ધિના દર્શન કરી રાજવી પરિવારના વિજયસિંહ મહારાજની પ્રતિમાને ફુલહાર કરી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે. તો કેટલાક ઉમેદવારોના બાબાસાહેબ આંબેડકરને અને ભીલ રાજાની પ્રતિમાને ફૂલહાર કરી પ્રચારના શ્રી ગણેશાય કરી રહ્યા છે.
જયારે કેટલાક નેતાઓ ભાદરવા દેવના દર્શન કરી ભાથુજી દાદાના આશીર્વાદ મેળવી રહ્યા છે. તો કોઈ દેવમોગરા માતાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપાના નેતાઓ હરિભક્તો સાથે હરિધામ સોખડા મંદિરે આવીને શ્રી ઠાકોરજીના બ્રહ્મસ્વરૂપ હરીપ્રસાદ સ્વામી મહારાજના અને પ્રગટ ગુરુ હરી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના આશીર્વાદ લીધા છે અને પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી અને પૂજ્ય પ્રિયદર્શન સ્વામીને પણ મળ્યા છે આમ નેતાઓ સંતોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. તો કેટલાક ઉમેદવારો પોતાના ગોડફાદારોને શરણે ગયા છે. ઈશ્વરના ભલે આશીર્વાદ લઈ લીધા હશે પણ જ્યાં સુધી ગોડફાદારોના આશીર્વાદ ના મળે ત્યાં સુધી એમના માટે ચૂંટણી જીતવી લગભગ અશક્ય બની જતી હોય છે. તેથી હવે ગોડફાધરોના આશીર્વાદ મેળવી તેમનું માર્ગદર્શન મેળવી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. હવે એ જોવું રહ્યું કે કયા ગોડફાધરોના આશીર્વાદ કોને ફળે છે? હાલ તો આ બધો તમાશો આમ જનતા નરી આંખે જોઈ રહી છે અને મનમાં મલકાઈ રહી છે અને કહી રહી છે કે અસલી ગોડફાધર તો અમે જ મતદાતાઓ છીએ.અમારા આશીર્વાદ મળશે તો જ તમે જીતશો. શું એ ઉમેદવારોને ખબર નહીં હોય? એવી પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે.
દીપક જગતાપ, રાજપીપલા