સમગ્ર ગુજરાત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમ્યાન ગુજરાતમાં પવનનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં હાલ વડોદરા શહેરમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત સાથે જ ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી નોંધાયો છે. ગત ગુરુવાર મોડી સાંજથી શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ગતરોજ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આ દરમ્યાન ગરમીનો પારો 31 ડિગ્રી સુધી રહ્યો હતો.
શુક્રવાર સવારથી જ વાતારણમાં ઠંડીનું પ્રમાણ નોંધાતા લોકોએ ગરમ કપડાનો સહારો લેવા પડ્યો હતો. તેમજ ઠંડીના પ્રમાણમાં વધારો થતા વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગતરોજ મહત્તમ તાપમાનનો પારો 31.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 15.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 64 % અને 27% નોંધાયું હતું. આ દરમ્યાન નોર્થ-ઈસ્ટની દિશાથી 10 કિમીની ગતીએ પવન ફૂંકાયો હતો.
હવામાન શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, સમગ્ર પંથકમાં ઠંડી વધવાના આ 3 કારણો જવાબદાર ગણાવ્યા છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પોલર વોરટેક્ષ અને વિંડ પેટર્નનો સમાવેશ થાય છે. ચોમાસાની વિદાય બાદ પવન ઉત્તર-પૂર્વના થઈ જતા હોય છે, જેને વિંડ પેટર્ન કહેવામાં આવે છે. વડોદરામાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે જ ઠંડી વધતી હોય છે.