નાસાના નવા ચંદ્ર રોકેટે આજે વહેલી સવારે ત્રણ ટેસ્ટ ડમી સાથે તેની પ્રથમ ઉડાન ભરી, જે 50 વર્ષ પહેલાં અમેરિકાના એપોલો પ્રોગ્રામ પછી પ્રથમ વખત અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવા તરફનું એક મોટું પગલું દર્શાવે છે. જો ત્રણ સપ્તાહની મેક-ઓર-બ્રેક શેકડાઉન ફ્લાઇટ દરમિયાન બધું બરાબર રહેશે, તો રોકેટ એક ખાલી ક્રૂ કેપ્સ્યુલને ચંદ્રની આસપાસની વિશાળ ભ્રમણકક્ષામાં લઈ જશે અને બાદમાં ડિસેમ્બરમાં પેસિફિક પર સ્પ્લેશડાઉન સાથે પૃથ્વી પર પરત આવશે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પોતાના મૂન મિશન ‘આર્ટેમિસ-1’ને લગભગ દોઢ મહિના પછી ફરી એકવાર લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે, આ લોન્ચિંગ આજે એટલે કે, 16 નવેમ્બરે સવારે 11.34 થી 1.34 કલાકની વચ્ચે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી થયું હતું. નાસાનો આ ત્રીજો પ્રયાસ છે. આ પહેલા 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ પણ રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
રવિવારની પ્રેસ બ્રીફિંગમાં આર્ટેમિસ મિશન મેનેજર માઇક સરાફિને જણાવ્યું હતું કે, તાજેતરમાં ફ્લોરિડામાં આવેલા નિકોલ તોફાને સ્પેસક્રાફ્ટનો એક ભાગ છૂટી ગયો હતો. તેના કારણે લિફ્ટ ઓફ દરમિયાન સમસ્યા આવી શકે છે. એટલા માટે અમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી રહી છે. જો કોઈ કારણસર 16 નવેમ્બરે રોકેટ લોન્ચ ન થાય તો નવી તારીખ 19 અથવા 25 નવેમ્બર હોઈ શકે છે.
શું છે નાસાનું આર્ટેમિસ-1 મૂન મિશન ?
અમેરિકા 53 વર્ષ બાદ પોતાના મૂન મિશન આર્ટેમિસ દ્વારા માનવને ચંદ્ર પર ફરી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ-1 આ દિશામાં પહેલું પગલું છે. આ મુખ્ય મિશન માટે ટેસ્ટ ફ્લાઈટ છે, જેમાં કોઈ અવકાશયાત્રીને મોકલવામાં આવશે નહીં. આ ફ્લાઇટ સાથે, વૈજ્ઞાનિકોએ જાણવાનું લક્ષ્ય રાખે છે કે, ચંદ્રની આસપાસની સ્થિતિ અવકાશયાત્રીઓ માટે યોગ્ય છે કે કેમ. સાથે જ એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર ગયા બાદ પૃથ્વી પર સુરક્ષીત પરત ફરી શકશે કે કેમ.
નાસાની ‘સ્પેસ લોંચ સિસ્ટમ (SLS) મેગારોકેટ’ અને ‘ઓરિયન ક્રૂ કેપ્સ્યુલ’ ચંદ્ર પર પહોંચશે. અવકાશયાત્રીઓ સામાન્ય રીતે ક્રૂ કેપ્સ્યુલમાં રહે છે, પરંતુ આ વખતે તે ખાલી હશે. આ મિશન 42 દિવસ, 3 કલાક અને 20 મિનિટનું છે, ત્યારબાદ તે પૃથ્વી પર પરત ફરશે. અવકાશયાન કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરનું અંતર કાપશે.