ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની રાવપુરા વિધાનસભા સીટ પર વડોદરાના પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લને ચૂંટણી લડવા માટે તક આપી છે જે મુજબ બાળકૃષ્ણ શુક્લાએ પોતાનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે આજે વાડી વિસ્તારમાં આવેલા ભારત માતા મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા બાદ બાળકૃષ્ણ શુક્લા એ વિજય વિશ્વાસ સંકલ્પ રેલી યોજી પાર્ટીના મુખ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાડીથી નીકળી રંગમહાલ ચોખંડી માંડવી થઈને રાવપુરા મુખ્ય માર્ગ થઈ કોઠી ચાર રસ્તા ખાતે રેલી પૂર્ણ કરી ચૂંટણી વિભાગના અધિકારીઓ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
સમગ્ર રૂટ પર ઠેર ઠેર નાગરિકો દ્વારા ભાજપના રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લનું પુષ્પહાર પહેરાવી પુષ્પ વર્ષા સહિત અનેક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નાગરિકો અને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા બાળકૃષ્ણ શુક્લ ઉમેદવારી ફોર્મ ભરવા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. તેઓની સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, રાવપુરા વિધાનસભા બેઠકના રનીંગ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ શહેર મહામંત્રી સુનિલ સોલંકી સહિત ભાજપના મુખ્ય આગેવાનો પણ જોડાયા હતા. ફોર્મ ભર્યા બાદ પ્રતિક્રિયા આપતા ભાજપના રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લાએ ટી.એન.એન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા વડોદરા ની પાંચેય સીટ એક લાખ મતોની વધુ લીડ થી જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.