આજે નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવારોનો ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે ભાજપના ઉમેદવાર ડૉ. દર્શનાબેન દેશમુખે વાજતે ગાજતે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખે હરસિધ્ધિ માતાના મંદિરે માતાજીના દર્શન કરી વડીલોના તથા કાર્યકર્તાઓના આશીર્વાદ લઈને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ જઈ ઉમેદવારી પત્ર ભર્યું. જેમાં તેમની સાથે પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ પ્રભારી સતિષભાઈ પટેલ તથા જિલ્લા મહિલા મોરચાની બહેનો સહીત કાર્યકરોઓ મોટી સંખ્યામાં ખુલ્લી જીપમાં રેલી સાથે નીકળ્યા હતા. રેલીમાં કમળના નિશાનના ધ્વજ પતાકા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રેલીમાં જોડાયા હતા.
જોકે આ રેલીમાં મોટા નેતાઓ અને સમર્થકોની ગેરહાજરી ખાસ સૂચક બની હતી. આજે પ્રાંત કચેરીએ પહોંચીને દર્શનાબહેને તેમનું ઉમેદવારી પત્ર ભાજપના મેન્ડેટ સાથે ભર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ અને નાંદોદ તાલુકાના પ્રજાના વિશ્વાસ સાથે મેં આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ભારતીય જનતા પાર્ટીના અનેક વિકાસના કાર્ય થયેલા છે અને જન સુધી આ વિકાસના કાર્યો પહોંચાડેલા છે તેથી મને વિશ્વાસ છે કે વિકાસના મુદ્દે મારી જીત નક્કી થવાની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સામે ગમે તે ઉમેદવાર હોય અમારી જીત નક્કી છે એમ કહીને તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપલા ખાતે અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખે ઉમેદવારી ફોર્મ ભર્યું.
Advertisement