વડોદરામાં ભાજપનાં બળવાખોર નેતાઓ એકજુથ થયાં હોય તેમ લાગી રહ્યું છે. બળવાખોર નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું છે. ત્રણેય પૈકી એકપણ બળવાખોર નેતા હર્ષ સંઘવીને ન મળ્યાં જોકે ભાજપે ત્રણેય નેતાઓને હર્ષ સંઘવી સાથે મુલાકાતની વિનંતી કરી હતી જેમાં વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવે સાળંગપુર હનુમાન મંદિર જવાનું હોવાનું કહી મળવાનું ટાળ્યું તો સતીષ નિશાળિયાએ ગૃહ રાજ્યમંત્રીનો ફોન જ ન ઉપાડ્યો અને દિનેશ પટેલે પોતાનો ફોન બંધ કરી દેતા સંપર્ક ન થઇ શક્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાર્ટીના ત્રણેય ધારાસભ્યો જો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરે તો ભાજપને એનાથી નુકસાન થવાની ધારણા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે પાર્ટીનું ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા છે. અહીં વડોદરા એરપોર્ટ ખાતેથી તેઓ સીધા વાઘોડિયા ખાતે રવાના થયા હતા. હર્ષ સંઘવી આ ત્રણેય વિસ્તારમાં પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મળશે અને હાલ પાર્ટીએ કરેલા નિર્ણયની શું અસર થશે? તેની ચર્ચા કરશે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ હાલ નારાજ ચાલી રહેલા જિલ્લાના ત્રણેય વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને પણ મળી શકે છે અને એમને મનાવવાના પ્રયાસો કરી શકે છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભાજપ ત્રણેય બેઠક પર પોતાના ઉમેદવારને બદલવા માટે હાલ કોઈ વિચારણા કરી રહ્યું નથી તેવું જાણવા મળી રહ્યું છે.