ખેડા તાલુકાના ધરોડા ગામે રહેતા સવિતાબેન ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણ પોતે પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ તેઓ ગામ પાસે આવેલા એક ખેતરમાં મજૂરીએ ગયા હતા. આ સમયે ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, તમારા પતિ ગુજરી ગયા છે. જેથી સવિતાબેન હાંફતા હાંફતા પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને જોયું તો તેમના પતિ ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ પોપટભાઈ ચૌહાણનો ખાટલામાં મૃતદેહ પડ્યો હતો. સમગ્ર ઘટના અંગે સવિતાબેને પોતાની દિકરી ભૂમીને પુછતા તેણીએ જણાવ્યું કે, ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે આપણા કૌટુંબિક માસી શારદાબેન તખાભાઈ તથા તેમના પતિ તખાભાઈ બંને જણા જમવા બાબતે અંદરો અંદર ઊંચા અવાજે ઝઘડતા હોય અને ગાળો બોલતા હોય જેથી બાપુજી ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણે આ તખાભાઈને જણાવેલ કે, ગાળો ન બોલશો છોકરીઓ સાંભળે છે. તેમ કહેતા તખાભાઈનો દિકરો અમરતભાઈ તખાભાઈ ચૌહાણ એકાએક દોટ મૂકીને ઉપરાણુ લઈ આવ્યો હતો. આ દરમિયાન અમરતે વાડામાં રોપેલ લાકડું લઈને આવીને ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણને તેમનું માથું દીવાલમાં પછાડ્યું હતું અને હાથમાં લાકડાનો ડંડો બરડાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને આ બાદ અમરત નાસી ગયો હતો. લોકોએ છોડાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે પહેલા જ તેમને ગંભીર ઈજા થવાના કારણે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના સંદર્ભે મરણ જનાર ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ પત્ની સવિતાબેને ખેડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ છે.
નરેશ ગનવાણી : નડિયાદ