ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ રાજપીપળા ચોકડી નજીક ભંગારના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. ગોડાઉનમાં લાગેલ આગના પગલે અંકલેશ્વર ડી.પી.એમ સી ના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયર ના લાશકરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
ભંગારના ગોડાઉનમાં લાગેલ આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા એક સમયે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં આગ લાગતા ભંગારનો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવવામાં આવતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પંથકમાં અવારનવાર ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગોડાઉનોમાં કેટલીકવાર અન અધિકૃત રીતે રાખવામાં આવેલ કેમિકલ વેસ્ટ પણ હોવાના કારણે આગ વધુ પ્રમાણમાં પ્રસરતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, તેવામાં આ પ્રકારે લાગતી અવારનવારની આગ લાગવાની ઘટનાઓ ચિંતાજનક બાબત જણાવી રહી છે.