Proud of Gujarat
FeaturedGujaratINDIA

કહી ખુશી કહી ગમ-ભરૂચ ભાજપ દ્વારા પાંચ વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા.

Share

જેની આતુરતાથી રાહ જોવાની રહી હતી તેવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુરતિયાઓની યાદી રાતે 1 વાગ્યા બાદ જાહેર કરવામાં આવતા કપાયેલા નેતાઓના જૂથમાં ઉદાસી તો તક મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી ફેલાઈ હતી. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાના મુરતિયાની પસંદગી ભાજપ મોવડી મંડળ દ્વારા કરી લેવાઈ છે. જેમના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે તેવા ભાજપના કાર્યકરોની યાદી જાહેર ન કરી તેમને ટેલિફોન દ્વારા ખુશખબર પાઠવી તૈયારીઓમાં જોતરાઈ જવાની સૂચના આપવામાં આવી હતી. ભરૂચમાં બે માજી ધારાસભ્યને કોઈ કોલ ન આવતા તેમનામાં ઉચાટ જોવામળ્યો હતો જોકે અન્ય નેતાઓ દ્વારા તેમને તક મળી હોવાની જાહેરાત કરતા આ નેતાઓએ ટિકિટ કપાઈ હોવાનું સ્વીકાર્યું હતું.

-ડી.કે સ્વામી જંબુસર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે

Advertisement

ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોના પરિવર્તન અને પુનરાવર્તન માટે જોર લગાવાઈ રહ્યું હતું . ભાજપામાંથી છત્રસિંહ વધુ એક તક માંગી હતી તો કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર કિરણ મકવાણા અને યુવા કાર્યકર બળવંત પઢીયાર પણ તક માંગી રહ્યા હતા. રાજકીય ખેંચતાણ વચ્ચે ગત ટર્મમાં સંઘ તરફથી મજબૂત ટેકો હોવા છતાં રાજકીય આટાપાટાના કારણે ટિકિટ ન મેળવનાર સ્વામિનારાયણના સંત ડી કે સ્વામીને વિધાનસભા ચૂંટણી 2022 માટે તક મળી છે. ડી કે સ્વામી સ્વનિરાયણ પંથના સંત છે જેઓ સ્થાનિક હિન્દૂ મતદારો ઉપર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે.

-અરુણ સિંહ રણા વાગરા વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર

અરૂણસિંહ રણા છેલ્લી બે ટર્મથી બેઠક ઉપર જીત મમેળવી રહ્યા હતા. વાગરા મત વિસ્તાર કોંગ્રેસની કમિટેડ સીટ માનવામાં આવતી હતી જોકે વર્ષ 2012 ની ચૂંટણીમાં ભાજપાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપાનો હાથ પકડનાર અરૂણસિંહને ટિકિટ આપી હતી જેમાં અરુણસિંહે તેમનાજ રાજકીય ગુરુ અને કોંગ્રેસના અગ્રણી ઇકબાલ પટેલને પરાજિત કરી ભાજપાને બેઠક અપાવી હતી. આ બાદ 2017 ચૂંટણીમાં પણ પરિણામનું પુનરાવર્તન થયું હતું. અરૂણસિંહની વિસ્તારમાં મજબૂત પકડ અને આક્રમક નેતા તરીકેની છાપને ધ્યાને લઈ તેમને હેટ્રિક લગાવવા તક આપવામાં આવી છે.

-રમેશ મિસ્ત્રી ભરૂચ વિધાનસભા બેઠકના ઉમેદવાર

ભરૂચ વિધાનસભા બેઠક માટે સતત ત્રણ ટર્મના ધારાસભ્ય દુષ્યંત પટેલ કપાયા છે. માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ફરી ભજપાએ તક આપી છે. રમેશ મિસ્ત્રી અગાઉ એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિશ્વ હિન્દૂ પરિષદમાં મહત્વના હોદ્દા ઉપર રહી ચૂકેલા રમેશ મિસ્ત્રી હિન્દુવાદી નેતાની છાપ ધરાવે છે.ભરૂચ એક કોમી સંવેદનશીલ નગર છે જ્યાં ધર્મ અને જ્ઞાતિના ફેક્ટર મહત્વ ધરાવતા હોય છે. અગાઉ રાજ્યની મોદી સરકાર સામે નારાજ ધારાસભ્યોના જૂથમાં રમેશ મિસ્ત્રી સક્રિય હોવાના અહેવાલો બાદ તેમને બીજી ટર્મ માટે ટિકિટ અપાઈ ન હતી અને દુષ્યંત પટેલને ઉમેદવારી કરાવવામાં આવી હતી. ફરીએકવાર સંજોગો બદલાતા દુષ્યંત પટેલની ટિકિટ કાપી રમેશ મિસ્ત્રીને તક આપવામાં આવી છે.

-ઈશ્વર પટેલ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે

માજી મંત્રી ઈશ્વર પટેલને ભાજપા દ્વારા અંકલરશ્વર બેઠક ઉપર સતત પાંચમી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી છે. ઈશ્વર પટેલ રાજ્ય સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે. ભુપેન્દ્ર મોદી સરકારમાં સિનિયર મંત્રીઓ સાથે ઈશ્વરભાઈ પાસેથી પણ મંત્રી પદ પરત લેવાયું હતું. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક ઉપર કોળી ઉમેદવાર રિપીટ કરાયા છે. ઈશ્વર પટેલ પાંડવાઈ સુગરના ચેરમેન પણ છે.

-રિતેશ વસાવા ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર

ઝઘડિયા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવાને ભજપાએ ઉમેદવાર જાહેર કર્યા છે. 3 દાયકા ઉપરાંતથી ઝગડીયા બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી નથી. રિતેશ યુવાન મતદારો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક ઉપર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.આ વખતે છોટુ વસાવાની ટિકિટ કપાઈ છે અને મોદી લહેર દેખાઈ રહી છે ત્યારે જીત માટે રિતેશ ઉપર પસંદગી ઉતારાઈ છે.


Share

Related posts

નર્મદા જિલ્લાની 8 ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર, કહી ખુશી કહી ગમનો માહોલ.

ProudOfGujarat

સંગઠનમા મહિલા નેતૃત્વ કઈ રીતે કરી શકે ? તે અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા હોદ્દેદારોની શિબિર યોજાઇ.

ProudOfGujarat

સુરત : કઠોર પ્રાથમિક શાળા ખાતે શ્રી કાંતિભાઈ આર.પટેલનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!