વિધાનસભાની ચુંટણી જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં ચુંટણીનો માહોલ ઉભો થયેલો દેખાય છે. ઠેરઠેર વિવિધ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભરૂચ જીલ્લાના ક્ષેત્રમાં આવતી પાંચ વિધાનસભા બેઠકોમાં એકમાત્ર આદિવાસી અનામત એવી ઝઘડિયા બેઠકની ચુંટણીમાં મોટી રસાકસીના એંધાણ વર્તાય રહ્યા છે. ઝઘડિયા બેઠક સામાન્યરીતે બીટીપીનો ગઢ ગણાય છે. વર્ષોથી આ બેઠક પર બીટીપી સુપ્રીમો છોટુભાઇ વસાવા ચુંટાતા આવ્યા છે.આગામી ચુંટણીને અનુલક્ષીને છોટુભાઈ વસાવાએ બીટીપી જેડીયુ પાર્ટી સાથે ચુંટણી સમજુતી કરશે એવું જાહેર કર્યુ હતું, ત્યારે છોટુભાઈના પુત્ર અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવાએ આ વાતનું ખંડન કરતા જણાવ્યુ હતુ કે બીટીપી જેડીયુ સાથે ગઠબંધન નહી કરે. દરમિયાન આજે બીટીપી દ્વારા રાજ્યની છ વિધાનસભા બેઠકો માટેના સત્તાવાર ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે તેમાં મહેશભાઇ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે એમ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં ઝઘડિયા બેઠક પર પિતાને બદલે પુત્ર બીટીપી તરફે ઉમેદવારી કરશે એ નક્કી થઇ ગયુ છે. ઝઘડિયા બેઠક પર ચુંટણી જંગ લડનાર ચાર મહત્વના રાજકીય પક્ષો પૈકી આમ આદમી પાર્ટી અને બીટીપીએ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે હવે ભાજપા અને કોંગ્રેસ પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે કોને જાહેર કરે છે એને લઇને સમગ્ર વિધાનસભા બેઠક વિસ્તારમાં આતુરતા જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ