છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જિલ્લા સેવાસદન ખાતેથી અવસર રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય એ માટે અવસર રથ મારફત પ્રચાર પ્રસાર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ આજથી અવસર રથ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા કલેકટરે અવસર રથને લીલઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ઠ ૧૩૭-છોટાઉદેપુર, ૧૩૮-જેતપુર પાવી અને ૧૩૯-સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં અવસર રથ મારફત પ્રચાર પ્રસાર કરવાનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ અવસર રથ દ્વારા વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ૧૧ મતદાન મથકો જેમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે. આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારીની સાથે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી આર.બી. ચૌધરી, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી, છોટાઉદેપુર