ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં અવારનવાર ગેરકાયદેસર રીતે રેતી ખનન જેવું પ્રવૃત્તિ ધમધમતી હોવાની અવારનવાર ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી પૂર્વ ભરૂચના નદી કાંઠે આવેલા મંગલેશ્વર, અંગારેશ્વર, તવરા, શુકલતીર્થ ઝનોર- અને ધર્મશાળા વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વિસ્તારોમાં કેટલીક લીઝો કાયદેસર છે જેઓ પાસ પરમીટ ધરાવે છે તો કેટલાંક તત્વો નર્મદા નદીના પોતાના બાપની પેઢી સમજી જ્યાંને ત્યાં નાવડા ઉભા રાખી રેતી ખનનની પ્રવૃતિઓ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, આ મામલે પણ તંત્રમાં અવારનવાર સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો અને રજૂઆતો ભુતકાળના દિવસોમાં કરવામાં આવી ચૂકી છે, અને હાલમાં પણ તેમ છતાં આ પ્રકારના ખનન માફિયાઓ હજુ પણ સુધરવાનું નામ ન લેતા હોય તેમ લાગી રહ્યું છે, કેટલાક તો પરમીટ માત્ર નામની જ લે છે ને બીજા વિસ્તારમા જ રેતી ખોદકામ કરતા હોય કે વહેતા પાણીમાં નાવડી લગાડી રેતી ખનન કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે, મોટા ભાગે અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બન્યા હશે, તેવામાં ખનન માફિયાઓ અધિકારીઓની ઢીલાશનો લાભ લઈ પોતાના નાપાક ઈરાદા અને મનસૂબા પાર ન પાડી લે તેવી દિશાઓમાં પણ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર જણાઇ રહી છે.
લોકચર્ચા મુજબ નર્મદા નદીની એક તરફથી બીજી તરફ કેટલાક ખનન કર્તાઓ પોતાની રેતી ભરેલ ગાડીઓને લાવતા લઇ જતા હોય છે, તેવામાં ખાણ ખનીજ સહીતના લાગતા વળગતા તંત્રના અધિકારી ઓએ આ ખનન કાયદેસર કરીને લઈ જવાઇ રહ્યું છે કે પછી ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિને અંજામ આપી સરકારની તિજોરીને કોઈ તત્વો નુકશાની તો નથી પહોંચાડી રહ્યું ને..? તે દિશામાં તપાસ કરવી ખૂબ જરૂર જણાય રહી છે.