માંગરોળ તાલુકાના કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી લીધી હતી, જ્યારે મુખ્ય આરોપી ફેજલ ઉર્ફે સૂર્યા સુલેમાન મમજી અને અન્ય એક ઈસમ ભાગી છુટતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢીયારને બાતમી મળી હતી કે કોસાડી ગામના કનવાડા ફળિયાના રસ્તા પરથી કોસાડી ગામનો ફેજલ ઉર્ફે સૂર્યા સુલેમાન મમજી અને અન્ય એક ઈસમ ગાયને કતલ કરવા માટે લઈ જનાર છે. આ બાતમીને આધારે પોલીસ કર્મચારીઓ પો.કો વિપુલભાઈ વિક્રમભાઈ હે.કો. કેતનભાઇ પ્રેમજીભાઈ, પો.કો શૈલેષભાઈ ધુળજીભાઈ, હિતેન્દ્રભાઈ રમેશભાઈ વગેરે એ બાતમીવાળી જગ્યાએ પહોંચતા બે ઇસમો હાથમાં કુહાડી લઈ એક ગાયને દોરડે બાંધી લઈ જતા હતા ત્યારે પોલીસને જોતા જ ઈસમો ગાયને મૂકી ભાગી છુટ્યા હતા. આ સમયે પોલીસે ફેજલ ઉર્ફે સૂર્યા સુલેમાન મમજીને ઓળખી લીધો હતો અને ઉભો રહેવા બૂમો પાડી હતી પરંતુ રાત્રિના અંધારાનો લાભ લઇ ઈસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે એક ગાય કિંમત રૂ. 10,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુના સંદર્ભમાં પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ એ ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ