ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ ઉપર ટ્રાફિક જામનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે, અવારનવાર હાઇવે ઉપર સર્જાતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થતો હોય છે. ખાસ કરી ઝાડેશ્વરથી લઇ અસુરીયા તરફ જતા હાઇવે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ વધુ પ્રમાણમાં જોવા મળતી આવી છે.
સામાન્ય અકસ્માત હોય અથવા કોઈ ગાડી બગડી હોય તેમજ ખરાબ માર્ગ હોય જેને લઇ અવારનવાર ભારે ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થતું હોય છે. આજે સવારે પણ ભરૂચના ઝાડેશ્વરથી અસુરીયા માર્ગ ઉપર અંદાજીત ૮ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો મુસાફરો અને નોકરિયાત વર્ગના લોકો આ જામમાં ફસાયેલા નજરે પડ્યા હતા.
ભરૂચ નજીક સર્જાયેલ ટ્રાફિકના કારણે સુરતથી વડોદરા તરફ જતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, તો બીજી બાજુ નર્મદા ચોકડી વિસ્તારમાં પણ ટ્રાફિક સર્જાતા ભરૂચ દહેજ માર્ગ તરફ અવરજવર કરતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો, કલાકોના જામ બાદ ટ્રાફિક પોલીસના કર્મીઓએ જામને હળવો કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744