જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સોપોર પોલીસે 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે, જેમાં 1 પિસ્તોલ, 1 પિસ્તોલ મેગેઝિન, પિસ્તોલ રાઉન્ડ અને ગ્રેનેડનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે આ કાર્યવાહી બારામુલા પોલીસ સાથે મળીને કરવામાં આવી. આ મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ ચાલી રહી છે.
આ પહેલા શુક્રવારે, સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. સૈનિકોએ પૂંછ સેક્ટરના નાકરકોટ વિસ્તારમાં પઠાણી સૂટમાં ત્રણ ઘૂસણખોરોની શંકાસ્પદ ગતિવિધિ જોઈ. આ પછી સેના દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પૂંછ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર રાજેશ બષ્ટિ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (રાજૌરી-પૂંછ) ડૉ. હસીબ મુગલે આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘જ્યારે ઘૂસ્ણખોરોને ભારતીય સેનાએ પડકાર આપ્યો તો તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો. સેનાએ જવાબી કાર્યવાહી કરી જેમાં ત્રણેય આતંકીઓ ઘાયલ થયા.’
ગાઢ જંગલને કારણે સેનાના જવાનો માટે તે મુશ્કેલ કામ હતું. જવાનોને ઘાયલ આતંકીઓમાંથી એક આતંકીનો મૃતદેહ મળ્યો છે અને તેના કબજામાંથી હથિયારો પણ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને અન્ય ઘણી વસ્તુઓ પણ એલઓસી પાસે મળી આવી છે. આ સિવાય એલઓસી તરફના રસ્તા પર લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા.