ભરૂચના હેતલ વિજય શાહના પતિ તથા અનેશ રજનીકાન્ત શાહ (રહે.નડિયાદ મંગલમ દેસાઈ પાર્ક સોસાયટી, કોલેજ રોડ, નડિયાદ) બંને મિત્રો હોઈ ૨૦૦૯ માં નડીયાદના નાનાકુંભનાથ રોડ પર સારી જગ્યા મળતી હોઈ ફલેટોની સ્કીમ પાડવાના હેતુથી જમીન ખરીદી હતી. હેતલ શાહ, અનેશ શાહ અને ચંદ્રકાન્ત શીવાભાઈ પટેલ દ્વારા રિવ એસોસીએટ નામની ભાગીદારી પેઢી બનાવી જમીન પર સ્વપ્નીલ રેસીડેન્સી બનાવી ફલેટો બનાવવાનું આયોજન કર્યું હતું. ચાર માળ બનાવવાનો નકશો ૨૦૧૦ માં નગરપાલિકા નડિયાદમાં રજીસ્ટર્ડ કરાવ્યો હતો. જોકે સમય જતા મતભેદ ઉભા થતા હેતલ શાહ તથા ચંદ્રકાન્ત પટેલ ભાગીદારીમાંથી છુટા થઈ ગયા હતા. હેતલ શાહને નક્કી થયા મુજબ રેસીડેન્સીના ફલેટ નં.૧૦૪, ૨૦૩, ૨૦૪ તથા ૪૦૪ આપેલ હતા. દસેક મહિના બાદ ફલેટોનું પઝેશન લેવા જતા કામ ચાલુ હોવાનું કહ્યું. ઓક્ટોબર ૨૦૨૦ માં પઝેશન આપ્યું હતું. સ્થળ પર જઈ હેતલ શાહે તપાસ કરતાં ફલેટ દસ્તાવેજની ચતુર્થ દિશા મુજબના ન હતા, ફલેટની જગ્યા બદલાઈ ગઈ હતી. ફલેટ નં.૪૦૪ અને ૪૦૩ બંને ભેગા કરી એક જ ગેટ હતો. પાલિકામાં જઈ તપાસ કરતાં અનેશ શાહે ૨૦૧૧-૨૦૧૫ માં બે વાર પ્લાન રીવાઈઝ કરી ફર્સ્ટ ફ્લોરને અપર ફ્લોર, સેકન્ડને ફર્સ્ટ, થર્ડને સેકન્ડ, ચોથાને ત્રીજો અને વધુ એક પાંચમા માળની બિલ્ડીંગનો નકશો પાસ કરાવી દીધો હતો. હેતલ શાહે નડીયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે.
નરેશ ગનવાણી : નડિયાદ