અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂપિયા ૨૦૦ કરોડનાં ખર્ચે ગોમતી કિનારે તૈયાર થનાર નૂતન અક્ષરભુવન (મ્યુઝિયમ)નાં ઉપલક્ષમાં કાર્તિકી સમૈયાનો કારતક સુદ – ૯ ના રોજ દબદબાભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સંપ્રદાયનાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાન શ્રીહરિએ વડતાલમાં બાધેલા કાર્તિકી (પ્રબોધિની) સમૈયાનો લાભ લેવા ઉમટી પડયા હતાં. ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને વણતેડે કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વડતાલ આવવાની આજ્ઞા કરી છે.
કથાના વક્તા પૂ.જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનના સંતો-ભક્તોને રાજી કરવાથી ભગવાન રાજી થાય છે. પ્રસાદીની વસ્તુઓનાં દર્શન થાય તે આપણા બહુ મોટા અહોભાગ્ય છે. ઉપાસના વિના કોઈ કાર્ય સિધ્ધ થતુ નથી. ભગવાન પૃથ્વી પર આવ્યા તેનો મુખ્ય હેતુ માત્ર અને માત્ર આત્માનું કલ્યાણ કરવાનો હેતુ હતો. દરેક જીવને અક્ષરધામમાં લઈ જવાનો હતો. યેનકેન પ્રકારે અનેક જીવોના કલ્યાણ થાય તે માટે શ્રીહરિ દ્વારા સંપ્રદાયનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જીવ માયિક વાસના છોડે અને પ્રભુમાં પ્રિતી કરે તે મુખ્ય હેતુ હતો. શ્રીહરિએ પામર જીવને તારવા માટે ઉપાયો કરવાની આજ્ઞા કરી છે. પરમાત્માએ જે જે અવતારે જે જે સ્થાનકને વિશે લીલાઓ કરી તેને સંભાળી રાખવી. સાધુ – બ્રહ્મચારી – સત્સંગીને સંભાળી રાખવા અને તેમાં હેત રાખવુ. ભગવાનની સ્મૃતિ એટલે કલ્યાણ અને ભગવાનની વિસ્મૃતિ એટલે કઠણાઈ. કથાના પ્રારંભમાં પૂ.જ્ઞાનજીવન સ્વામી સહિત સૌ સંતો – હરિભક્તોએ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જીવાત્માઓની શાંતિ અર્થે ધૂન બોલાવી બે મિનીટ મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પી હતી.
બુધવારે સવારે વડતાલ જ્ઞાનબાગથી બેન્ડવાજા અને ઢોલ નગારનાં તાલે ભવ્ય પોથીયાત્રા વાજતે ગાજતે વડતાલ મંદિરમાં આવી હતી. આ પોથીયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો અને બગીમાં સંતો – મહંતો બિરાજ્યા હતાં. મહોત્સવના યજમાન ભુપેન્દ્રભાઈ પટેલ તથા પરિવારનાં સભ્યોએ ભગવાનનાં વાઘા તથા મહિલાઓએ પોથીયાત્રા લઈ જોડાયા હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ સ્વામિનારાયણ મહામંત્ર ધૂનની રમઝટ બોલાવી હતી. પૂ.શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી, પૂ.શા.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, પૂ.શ્રી રાધારમણદાસજી સ્વામી, પૂ.શ્રી વિવેક સ્વામી, પૂ.શ્રી મોહન સ્વામી – નાર, પૂ.શ્રી ગોવિંદપ્રસાદદાસજી સ્વામી, પૂ.શ્રી બ્ર.પ્રભુતાનંદજી – ટ્રસ્ટી સભ્યશ્રી, પાર્ષદવર્ય શ્રી ભાસ્કરભગત, પાર્ષદવર્ય શ્રી લાલજીભગત – જ્ઞાનબાગ, પાર્ષદવર્ય શ્રી ઘનશ્યામભગત ટ્રસ્ટીશ્રી, પૂ.શ્રી મુનિ સ્વામી – કુંડળધામ, પાર્ષદવર્ય શ્રી વિઠ્ઠલભગત – ભૂમેલ તથા પ.ભ.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ યજમાનશ્રી દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. જ્યારે સત્સંગ મહાસભાનાં પ્રમુખ શા.નૌતમપ્રકાશ સ્વામીએ મંગલ પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. વડતાલનાં દેવોને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો.
વડતાલ સ્વા.મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રીહરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને બુધવારનાં રોજ વિવિધ વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે સવારે મંદિરનાં ઘૂમ્મટમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા નાના લાલજી શ્રી જેિન્દ્રપ્રસાદજી મહારાજે અન્નકૂટ આરતી ઉતારી હતી. પૂજારીશ્રી હરિકૃષ્ણાનંદજીને મહારાજશ્રી તથા લાલજી મહારાજનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ