બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નંદેલાવ પાસે આવેલ મઢુલી સર્કલ નજીક ગત રાત્રીના સમયે માલ સામાન ભરીને પસાર થઇ રહેલા એક આઈસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ ના ડ્રશ્યો સર્જાયા હતા,ટેમ્પોમાં લાગેલ આગ જોત જોતામાં વિકરાળ બનતા એક સમયે સ્થળ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ આગની જ્વાળાઓ માં સળગતા આઇસર ટેમ્પો ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી,હાલ આઇસર ટેમ્પોમાં આગ ની ઘટના શોર્ટસર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાતો જોવાઇ રહ્યો છે,ક્યાંક ઓફિસો દુકાનો સળગવાની ઘટનાઓ તો ક્યાંક મકાન માં આગ લાગવા જેવી ઘટનાઓ સામે આવી છે,તો કેટલીક જગ્યાએ વાહનો સળગવાના બનાવો પણ છેલ્લા કેટલાક દિવસથી સામે આવી રહ્યા છે,તેમાં પણ વધુ એક આ ઘટનાનો ઉમેરો થયો છે.
હારુન પટેલ : ભરૂચ