ભરૂચ જિલ્લામાં તહેવારોની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતની ધોજારી ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ બે જેટલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચાર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તો અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની પ્રથમ ઘટના ભરૂચના ટંકારીયા ગામ નજીક સર્જાઈ હતી જ્યાં એસ.ટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બાદ એક સમયે લોકોના ટોળા પર ઘટના સ્થળે ભેગા થયા હતા તેમજ મામલા અંગેની જાણ પાલેજ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
તો અકસ્માતની અન્ય એક ઘટના ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાડી રોડ ઉપર બની હતી જ્યાં સ્વામિનારાયણ મંદિર નજીક એક ઇન્ડિગો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડ પર આવેલ વૃક્ષમાં ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, મામલે નેત્રંગ પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
હારુન પટેલ : ભરૂચ