વડોદરા મહાનગર પાલિકા દ્વારા સાયજીરાવ ઝૂ ખાતે રૂપિયા 14.21 કરોડના ખર્ચે નવીન આકાર પામેલ વોક એવિયેરીની શરૂવાત કરવામાં આવી હતી ત્યારે આજે મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા મેયર કેયુર રોકડીયા સાથે મળીને એવિયેરીની મુલાકાત લેવામાં આવી હતી. આ વોક ઇન એવિયરીમાં ઇન્ડિયન એક્વાટિક અને એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે.
કેવડિયા બાદ રાજ્યની આ બીજી એવિયરી છે, જેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બ્લેક લૌરી, બોલતા પોપટ, કાકાકૌટા, એમેઝોન પેરટ્સ, કેટરિંગ લોરી અને કન્નૂરની વેરાઇટિઝ છે. આ પક્ષીઓની ખાસિયત એ છે કે, તે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના પ્રદેશોના છે. જેથી તે સહેલાઇથી વડોદરાના વાતાવરણમાં અનુકુલન સાધી લેશે. હાલ ઝુમાં વિવિધ પ્રજાતિઓના 750 પક્ષીઓ છે. પહેલા ડોમમાં દેશી પક્ષીઓ જેમાં બતક, બગસા, કુંજ અને ઢોંક જેવા 10થી 12 પ્રકારના દેશી પક્ષીઓ હશે. જ્યારે બીજા ડોમમાં કાળો હંસ, ગાજ હંસ, એમેઝોન પેરટ, ગોલ્ડન ફ્રીન્જ, બ્લેક લોરી જેવા વિદેશી પક્ષીઓ હશે. આ માટે વિશેષ જળાશય, નૈસર્ગિક વાતાવરણ જેવી વ્યવસ્થા કરાઇ છે.
મેયર કેયુર રોકડીયાદ્વારા જણાવાયું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાનો સૌથી મોટા બાગ અને ઝૂ સયાજીબાગ ખાતે વોકિંગ એવિયરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના અને વિદેશના પક્ષીઓને લાવવામાં આવ્યા છે. ખાસ આ જગ્યા પર દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ પોતાના પરિવારને તેમજ દેશ વિદેશના મિત્રોને મહેમાનો અવનવા પક્ષીઓને ખુલ્લામાં નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પક્ષીઓને લોકો પીંજરા વગર જોઈ શકે તે રીતનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. હું વડોદરાવાસીઓને આ દિવાળી પર્વ નિમિત્તે આ જગ્યા પર આવી પક્ષીઓ સાથે આનંદ માણે તેની માટે હું નમ્ર અનુરોધ કરું છું.એક પ્રવાસનનું સ્થળનું એક ખૂબ સરસ નજરાણું વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. મોટાભાગના પક્ષીઓને હાલ સયાજીબાગમાં લાવી દેવામાં આવ્યા છે. ભાગ્યે જો કોઈ જોડું બાકી હશે તો તેમને પણ બાગમાં જે તે સમયે લાવી દેવામાં આવશે.