IGBC ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધા 2022 માં બીલીઆંબા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો. નેશનલ લેવલની આ સ્પર્ધામાં આખા ભારત દેશમાંથી 538 શાળાઓ એ ભાગ લીધો જેમાં છત્તિસગઢ રાજયની રાયપુર ઇન્ટર નેશનલ સ્કુલ, તેલંગાણા રાજયની ગોલકુંડા જવાહર નવોદય વિધાલય અને ગુજરાત રાજ્યની બીલીઆંબા પ્રાથમિકા શાળાની 3 ફાઇનલ શાળાઓમાં પસંદગી થઈ જે ત્રણે શળાઓએ IGBC ના ભારતમાં આવેલ મુખ્ય મથક હૈદરબાદ ખાતે પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું હતું.
આ કાર્યક્રમમાં બીલીઆંબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજુ થયેલ આ પ્રેઝન્ટેશનમાં બાળકોની રજુઆત જોઇ નિર્ણાયકો પણ મંત્ર મુગ્ધ બની ગયા હતા અને પોતાની ખુરશીઓમાંથી ઉભા થઈ તાળીઓ પાડી બાળકોને પ્રોત્સાહીત કર્યા અને આખરે નિર્ણય આવતા બીલીઆંબા પ્રાથમિક શાળા એ પ્રથમ નંબર મેળવી ડાંગ જીલ્લાનું અને ગુજરાત રાજયનું નામ રોશન કર્યું છે. આ એવૉર્ડ માટે ડાંગ જીલ્લા સર્વશિક્ષા અભિયાનના આર્કિટેક્ટ જીગ્ના પટેલ, ડી.પી.ઇ. પરીમલ મિસ્ત્રી એ પણ ખૂબ જ મહેનત કરી હતી. તેમણે બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. જે બદલ શાળા પરીવાર સર્વશિક્ષા અભિયાનની ટીમને ખૂબ જ અભિનંદન પાઠવે છે, અને આભાર વ્યકત કરે છે. સાથે ગુજરાત રાજયના સર્વશિક્ષા અભિયાનના શ્રુતિએ પણ ખૂબ જ મહેનત કરી હતી. ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. સી.ભુસારા અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એચ. ઠાકરે પણ બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકો તથા શાળા પરીવારને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા.
શાળાની આ સિદ્ધિઓ બદલ આચાર્ય વિમલકુમાર અને રસિકભાઇએ જણાવ્યું હતું કે બાળકો, શિક્ષકો અને ગામ લોકોના સહયોગના કારણે શાળાએ આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં સહયોગ આપનાર શિક્ષણ વિભાગ અને સર્વશિક્ષા અભિયાન ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.