માતર તાલુકાના રતનપર ગામે રહેતા સતીશકુમાર રમેશભાઈ વાઘેલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમા વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી જણાવ્યું કે, હું એસબીઆઇ બેન્કમાંથી બોલું છું અને તમારું ક્રેડિટ કાર્ડ રીન્યુ કરવાનું છે તમારે કોઈ ઓટીપી કે, કાર્ડ નંબર કે બીજી કોઈ માહિતી આપવાની નથી. ફક્ત તમારા મોબાઇલ પર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. સતીષકુમારે ચાલુ ફોન દરમિયાન કહ્યા મુજબ પ્લે સ્ટોરમાંથી પોતાના મોબાઈલ પર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અને Allowe, Allowe આપતાં ગણતરીની મિનિટોમાં જ પોતાનો ફોન પોતાના કંટ્રોલ બહાર જતો રહ્યો હતો અને તેની જાતે જ મોબાઈલ ફોન ઓપરેટ થતો હતો. જેથી ગભરાયેલા સતિષકુમારે તુરંત ફોન કોલ કટ કરી દીધો હતો. થોડીવારમાં જ તેઓના ખાતામાંથી રૂપિયા 5 હજારનું, 11 હજારનું અને 10 હજાર એમ મળી કુલ ત્રણ ટ્રાન્જેકશનો 17 હજારના થયા હતા. આ ડેબિટ થયેલા નાણા પે ટીએમ મારફતે કપાઈ ગયા હતા. જેથી પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાનું સતીશકુમારને જાણ થતા સમગ્ર મામલે તેઓએ માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ