દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બાબુભાઈ તેરસિંગભાઈ કલારા પોતે પોતાના પરિવાર સાથે ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ભાટેરા કપડવંજ રોડ ઉપર દિવાલના વરંડા બનાવવાનું કામકાજ ચાલતું હોવાથી અહીંયા શ્રમિક તરીકે આવ્યા છે. તેમની સાથે સાથે તેમના જિલ્લાના અન્ય વ્યક્તિઓ પણ કડિયા કામની મજૂરી અર્થે અહીંયા આવ્યા છે.
ગત ૨૦ મી ઓક્ટોબરના રોજ મોટરસાયકલ પર ચાર સવારી બેસી કઠલાલ તરફ ગયા હતા. મોટરસાયકલ અરવિંદભાઈ ચલાવતા હતા. અમદાવાદ ઈન્દોર હાઇવે પર ગાડવેલ ગામના કટ પાસે રાત્રિના મોટરસાયકલ ચાલકે એકાએક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ હાઇવેના ડિવાઇડર સાથે અથડાવ્યું હતું. જેથી મોટરસાયકલ સાથે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ રોડ ઉપર પટકાયા હતા. ચારેયને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મનીષભાઈ કલારા, અરવિંદભાઈ કટારા અને વિજયભાઈ તડવીનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ખંજનભાઈને સારવાર અર્થે નડિયાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કઠલાલ પોલીસે બાબુભાઈ તેરસિંગભાઈ કલારાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
નરેશ ગનવાણી : નડિયાદ