વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે વડોદરા શહેર અને જિલ્લાને કુલ રૂ. ૭૮૬ કરોડના વિવિધ વિકાસકાર્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ભેટ મળી છે. આ વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમનું ગાંધીનગરથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
વડોદરામાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે મેયર કેયુરભાઈ રોકડીયા અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિકાસકાર્યોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા પ્રોજેક્ટ અને ડ્રેનેજ-વરસાદી ગટર પ્રોજેક્ટના રૂ. ૩૨૧.૬૨ કરોડના ચાર કામો તથા ડ્રેનેજ-વરસાદી ગટર પ્રોજેક્ટના રૂ. ૩૭૮.૬૫ કરોડના ત્રણ કામો મળીકુલ રૂ. ૭૦૦.૨૭ કરોડના તથા જિલ્લા વહીવટી તંત્રના રૂ. ૨૩.૬૨ કરોડના ઈ-લોકાર્પણ અને રૂ. ૬૨.૭૦ કરોડના ઈ-ખાતમુહૂર્ત મળી કુલ રૂ. ૮૫.૭૯ કરોડના વિવિધ વિકાસના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ વિષયવસ્તુને આવરી લઈને સ્વાગત પ્રવચન કર્યું હતું. વડોદરા જિલ્લામાં કુલ ૧૦૦ કાર્યોનું લોકાર્પણ તેમજ ૧૪૯ વિકાસકામોનું ખાતમુહૂર્ત, એમ કુલ ૨૪૯ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તકતીનું મેયર, સાંસદ ભટ્ટ સહિત અન્ય મહાનુભાવોએ અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સીમાબેન મોહિલે, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, દંડક ચિરાગ બારોટ, શાસક પક્ષના નેતા અલ્પેશભાઈ લિંબાચિયા, કલેક્ટર એ. બી. ગોર, શહેર ભાજપ મહામંત્રી, ડેપ્યુટી મેયર નંદાબેન જોષી સહિતના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મનપાના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી કર્યું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત.
Advertisement