પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત ૫૦ લાખથી વધુ આયુષ્માન કાર્ડનું વર્ચ્યુઅલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને જિલ્લા કક્ષાનો આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે હવે જનહિતને ધ્યાનમાં રાખીને સેવાસેતુ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો સર્વે નગરજનોએ લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ભરૂચ જિલ્લાની વિગત આપતા જણાવ્યું હતું કે,અત્યાર સુધીમાં જિલ્લામાં આશરે ૫ લાખ જેટલા આયુષ્યમાન કાર્ડ લોકોને એનાયત કરવામાં આવ્યા છે. જે પૈકી ૧ લાખ જેટલા નગરજનોએ વિનામૂલ્યે સારવાર મેળવીને આ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે. આ ઉપરાંત વધુમાં તેમણે ઉમેર્યું કે, આયુષ્યમાન કાર્ડ થકી જિલ્લાની ૧૯ જેટલી હોસ્પીટલમાં વિનામૂલ્યે સારવાર મળી શકે છે. જેની નોંધ લેવા પર તેઓએ લોકોને જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ PMJAY-MA નાં આયુષ્યમાન કાર્ડનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો તથા આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ વર્ચ્યુઅલ પ્રેરણાત્મક ઉદબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, નિવાસી અધિક કલેકટર એન આર ધાંધલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા વગેરે અઘિકારીઓ તથા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, પ્રધાનમંત્રીએ 2012 માં ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીના આપત્તિજનક ખર્ચથી બચાવવા માટે “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના શરૂ કરી હતી. વર્ષ 2014 માં, ”MA” યોજના એવા પરિવારોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4 લાખ જેટલી હતી. બાદમાં, આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં પણ વિસ્તારવામાં આવી હતી. આ યોજનાને મુખ્ય મંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજના તરીકે એકીકૃત કરવામાં આવી હતી.
આ યોજનાની સફળતાના અનુલક્ષીને પ્રધાનમંત્રીએ 2018 માં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરી હતી. જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના ગણાય છે. જે કુટુંબના કદ અને વય પર કોઈપણ મર્યાદા વિના હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ રૂ. 5 લાખ સુધીનું કવરેજ પ્રદાન કરે છે.AB-PMJAYની શરૂઆત પછી, ગુજરાતમાં 2019 માં AB-PM-JAY યોજના સાથે MA/MAV યોજનાને PMJAY-MA યોજના નામ સાથે એકીકૃત કરી અને MA/MAV અને AB-PMJAY હેઠળના લાભાર્થીઓને એકીકૃત કરીને PMJAY -એમએ કાર્ડ માટે પાત્ર બનાવવામાં આવ્યા.