ભરૂચ-અંકલેશ્વર શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ(બૌડા) દ્વારા મોજે. તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારૂપ નગરયોજના રચના નં.૧૬-એ, ૧૬-બી, ૧૭-એ, ૧૭-બી અને ૧૭-સી સૂચિત મુસદ્દારૂપ યોજનાના સૂચિત આયોજનના જે તે હિત સબંધ ધરાવતા માલિકો સાથે ઓનર્સ મીટીંગનું આયોજન નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ઝાડેશ્વર ખાતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને બૌડાના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વેળાએ તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ યોજનાના નકશાનું અનાવરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
બપોર બાદ મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧૭-એ, ૧૭-બી અને ૧૭-સી અંગેના ઓનર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તવરા ગામ વિસ્તારવાળી સૂચિત મુસદ્દારૂપ નગરયોજના કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ખુલ્લું મુક્યા બાદ બૌડાના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મંજૂર થયેલ નગર વિકાસ યોજનાઓનો આયોજનબધ્ધ રીતે વિકાસ કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદર્શી વિઝન મુજબ કોઈ પણ વિકાસ થાય તેમાં સુવિધાઓનું પ્લાનીંગ હોવું જોઈએ. ટી.પી.સ્કીમ એ શહેરોના વિકાસ માટે તેમજ દરેક જમીન માલિક માટે એક સમાન સારો અને સુઆયોજીત વિકાસ કરવા માટેની એક ઉત્તમ અને અસરકારક પદ્ધતિ છે આ વેળાએ કલેક્ટરશ્રીએ ટી.પી. સ્કીમના ફાયદાઓ વર્ણવ્યા હતા. તેમણે તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૧૬-એ, ૧૬-બી, ૧૭-એ, ૧૭-બી અને ૧૭-સી સૂચિત મુસદ્દારૂપ યોજનાના સૂચિત આયોજનની વિસ્તૃત વિગતો પણ આપી હતી અને કહ્યું હતું કે, અમદાવાદમાં જે રીતે વિકાસ થયો છે તે વિકાસ ભરૂચમાં કેમ ન થાય તેમ જણાવતાં તેમણે આગામી પાંચથી દસ વર્ષમાં ભરૂચ-અંકલેશ્વર સૌથી મોડલ સ્થળ બને તે માટે પ્લાનીંગથી કામ કરાશે.
વધુમાં સદર વિસ્તારમાં નગર રચના યોજના અમલમાં આવવાથી તેમજ દરેક પ્લોટને આંતરમાળખાકીય સુવિધાઓ આવવાથી જમીન માલિકોને તેમની જમીનના ભાવોમાં પણ સારો એવો વધારો થવાની વધુમાં વધુ શક્યતાઓ છે. આમ નગરરચના યોજના (ટી.પી.સ્કીમ) આવવાથી શહેર માટે તેમજ શહેરીજનો માટે ખુબ મોટા પાયે લાભદાયી થઈ શકે છે તેમ જણાવી વિકાસની શક્યતાઓને વિસ્તારથી સમજાવી હતી. કલેક્ટરશ્રીએ બૌડા ધ્વારા કરવામાં આવતી કામગીરીનો વિસ્તારથી ઉલ્લેખ કરી આગામી દિવસમાં ભરૂચને એક નવી દિશા આપવી છે એમાં સૌના સહયોગની અપેક્ષા સેવી હતી. સાથો સાથ અંકલેશ્વરમાં પણ આગામી સમયમાં પાંચ ટી.પી. આપીશું અને જે સમરસ ટી.પી. બને તે માટે દરેક સભ્ય સહકાર આપે તેમ જણાવ્યું હતું. તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૧૬-એ, ૧૬-બી, ૧૭-એ, ૧૭-બી અને ૧૭-સી સૂચિત મુસદ્દારૂપ યોજનામાં વાંધા સૂચનો સમયમર્યાદામાં લેખિતમાં આપવા પણ જણાવ્યું હતું.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ તવરા વિસ્તાર માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ બૌડા ધ્વારા જે ટી.પી. સ્કીમ મંજૂર કરેલ છે તેના આયોજનને બિરદાવ્યા હતા. નગર રચના યોજના (ટી.પી.સ્કીમ) આવવાથી આ વિસ્તારનો વિકાસ સુઆયોજીત રીતે શઈ શકે છે. નગર રચના યોજનામાં સમાવિષ્ટ નાના મોટા દરેક જમીન માલિકોના હિતને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારની સુખાકારીમાં ટી.પી. સ્કીમ આધારસ્થંભ બનશે.
નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભરૂચ-અંકલેશ્વર શહેરમાં નગરરચના યોજનાઓનો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને લઈ અસરકાર અમલ કરાશે તેમ જણાવી પોતાના વિચારો રજૂ કર્યા હતા. બી.ડી.એમ.એ.ના ચેરમેન હરિશભાઈ જોષી, આર્કિટેક મૈત્રી બુચ, બિલ્ડર્સ પ્રમુખ રોહિતભાઈ ચડ્ડરવાલાએ તેમજ બપોરબાદ મીડિયા પર્સનાલીટી શબ્બીરભાઈ ચોકવાલા, આર્કિટેક અશ્વિન, રોટરી પર્સનાલીટી ડૉ. વિક્રમ, જમીન ઓનર અને ડેવલોપર કૃણાલસિંહ ડાયમાએ તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાને બિરદાવી જિલ્લા વહીવટીતંત્ર અને બૌડાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે પોતાના રચનાત્મક વિચારો વ્યક્ત કર્યા હતા.
આ વેળાએ ટી.પી. સ્કીમ બાબતે વિચારો વ્યક્ત કરતાં મહાનુભાવો તેમજ સ્ટેજ પરના મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. બૌડાના મુખ્ય કારોબારી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલે તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૧૬-એ, ૧૬-બી, ૧૭-એ, ૧૭-બી અને ૧૭-સી સૂચિત મુસદ્દારૂપ યોજનાના આયોજનનો ઉદ્દેશ સમજાવ્યો હતો. એજન્સી દ્વારા ટી.પી. સ્કીમ બાબતે પ્રેઝન્ટેશન રજૂ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ નગરરચના યોજના ૧૬-એ(૧૪૧.૪૨ હેક્ટર), ૧૬-બી(૧૧૨.૪૧ હેક્ટર), ૧૭-એ(૧૪૩.૩૧ હેક્ટર), ૧૭-બી(૧૪૭.૦૧ હેક્ટર), ૧૭-સી(૧૩૮.૩૫ હેક્ટર) ક્ષેત્રફળ રહેશે. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવા, જુના તવરાના સરપંચ નારસંગભાઈ વસાવા, નવા તવરાના સરપંચ સંજયભાઈ પટેલ, બૌડાના અધિકારીગણ-કર્મચારીઓ, લેન્ડ ઓનર્સ, આગેવાનો, ડેવલોપર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ બૌડાના કાર્યપાલક ઈજનેર હેમાંગ શાહે કરી હતી.