માંગરોળ તાલુકાના વાંકલ ગામે પાનેશ્વર ફળિયા નજીક રાજ્ય ધોરીમાર્ગ પર સિગ્નલ લાઇટ વિના અડચણરૂપ પાર્ક કરેલ ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જ્યારે કારના ચાલકનો સામાન્ય ઇજા આબાદ બચાવ થયો છે.
વાંકલ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ ભરેલ ટાટા ટ્રક નંબર G J 12 B Y 8195 ના ટ્રક ચાલકે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે પોતાનો વાહન પાર્ક કર્યું હતું તેમજ સિગ્નલ લાઇટ ચાલુ નહીં રાખી હતી અને પાછળના ભાગે કોઈ આડસ એડેપ્ટર નહીં લગાવતા આ અકસ્માત સર્જાયો હતો. વાંકલ ગામના સ્ટેશન ફળિયામાં રહેતા વિકાસકુમાર શ્રીરામ કીરી પોતાની ઇકો કારને સર્વિસ કરાવી મોસાલીથી આવી રહ્યા હતા ત્યારે કોઈપણ જાતની આળસ કે એડેપ્ટર સિગ્નલ લાઇટ વિનાની અડચણરૂપ પાર્ક કરેલ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી. ચાલક વિકાસભાઈને માથામાં સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. આ ઘટના બનતા જ વાંકલ ગામના યુવાનો અને વાંકલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મદદે દોડી આવ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી તેમજ ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટના સંદર્ભમાં વિકાસભાઈ કીરી એ ટ્રક ચાલક વિરૂધ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ