ભરૂચ શહેરમાં વરસાદી માહોલ બાદ તો જાણે કે ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, કોઈક વોર્ડના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા તો કોઈક વોર્ડના અંતરિયાળ સોસાયટીમાં જતા માર્ગો પર ખાડા, રસ્તાનું ધોવાણ થયા બાદ તો જાણે કે જે તે વિસ્તારોમાં વાહનો લઈને જઈએ તો વાહનો તૂટવા સાથે કમરના મણકા તૂટવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી પેચવર્ક કરવાની કામગીરી પાલીકાનું તંત્ર કરતું નજરે પડ્યું હતું, પરં હજુ તેમા પણ ઢીલાશ દાખવામાં આવતી હોય તેમ દેખાઇ રહ્યું છે.
ભરૂચ શહેરમાં આવેલ નગરપાલિકા વિસ્તારમાં ૪૪ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મુખ્ય અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓથી ધમધમતી નગર પાલિકા ભરૂચના સ્ટેશનથી પાંચબત્તી અને બાયપાસ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરના ખાડા પુરવામાં આળસ અનુભવતી હોય તેમ લાગી રહ્યું છે. બાયપાસ ચોકડી, મહંમદપુરા, આલી ઢાળ અને પાંચબત્તી આસપાસના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાનું મેજર ટેપથી માપ લેવાય શકે તેવી સ્થિતિનું સર્જન વર્તમાનમાં જોવા મળી રહ્યું છે.
આ તો વાત થઇ મુખ્ય માર્ગોની પરંતુ શહેરના કેટલાય વોર્ડના અંતરિયાળ રસ્તાઓ પણ વરસાદી માહોલ જામ્યા બાદ આજે તકલાદી બનતા જઈ રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખાબોચિયાઓથી બચી બચીને પસાર થવું પડતી હોવાની બુમો ઉઠી રહી છે. તેવામાં નિદ્રામાં રહેલ પાલિકા વિભાગના અધિકારીઓ અને કર્મીઓ વહેલી તકે આ પ્રકારના ગણતરીના વિસ્તારોનું સર્વે કરી ત્યાં રસ્તા રીપેરીંગ કાર્યને વેગવંતુ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744