ભરૂચ જિલ્લામાં દારૂ બંધીનું કડક પાલન થાય તે માટે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જે તે પોલીસ સ્ટેશનના કર્મીઓએ સતત બુટલેગરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવી રહેલા દરોડાઓમાં બુટલેગરોની પણ શરાબ સંતાડવાની અવનવી મોડ્સ ઓપરડી સામે આવતી દેખાઈ રહી છે, જેમાં વધુ એક બુટલેગરના કારનામા સામે આવતા હાલ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે, પરંતુ નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ જિલ્લામાં કોઈને કોઈક રીતે નશાનો આ કારોબાર ધમધમાવી રહ્યા છે, સામાન્ય રીતે આપણે કરિયાણાની દુકાન ઉપર ઘરને લગતું જરૂરી સામાન લેવા જતા હોઈએ છે, પણ અંકલેશ્વરમાં એક ભેજાબાજ બુટલેગરે તો કરિયાણાની દુકાનની આડમાં દારૂનો અડ્ડો જ શરૂ કર્યો હોય તેમ સામે આવી રહ્યું છે. જેમાં અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડી આ કરિયાણાની દુકાનમાંથી હજારોની કિંમતની બ્રાન્ડેડ કંપનીની ભારતીય બનાવટની વિદેશી શરાબનો જથ્થો કબ્જે કર્યો છે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીના આધારે સ્ટેશન ચોકીથી સરદાર પટેલ હોસ્પિટલ જતા માર્ગ ઉપર આવેલ જૂની સહારા બેન્કની બાજુમાં આવેલ “જય જલારામ કરિયાણા સ્ટોર” માં ચોરી છુપી રીતે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દુકાનમાં પ્રવેશ કરી તલાશી લેતા દુકાનના ઉપરના ભાગે આવેલ એક લાકડાના કબાટમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની કુલ ૬૭ નંગ બોટલ મળી આવતા પોલીસે કરિયાણાની દુકાનના સંચાલક સંદીપભાઈ ઉર્ફે પ્રવીણચંદ્ર મોદી નાઓની ધરપકડ કરી કુલ ૩૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744