ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયગંમબર સાહેબના જન્મ દિવસની પવિત્ર રબીઉલ અવ્વલ માસના બારમા ચાંદે સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઇદે મિલાદ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઇદે મિલાદની ભવ્ય ઉજવણી કરાઇ હતી.
ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારથી મહંમદપુરા સુધીના માર્ગ ઉપર ઇદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ના લોકો જોડાયા હતા. જુલુસ બાદ ઠેરઠેર નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ સંપ્રદાય દ્વારા ખુબ જ ઉલ્લાસભેર ઇદે મિલાદની ઉજવણી કરાઇ હતી. નગરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.
ભરૂચમાં ઇદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ગરીબ અને નિરાધાર બનેલા લોકો સુધી પણ આજના દિવસે ખાસ મદદ પહોંચાડવામાં આવી હતી, તો સાથે સાથે દેશ અને દુનિયામાં અમન અને ભાઇચારો બની રહે તે માટે પણ વિશેષ દુઆઓ આજના દિવસ દરમિયાન શહેર જિલ્લાની મસ્જીદોમાં કરવામાં આવી હતી.
હારૂન પટેલ : ભરૂચ