નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં વિજયા દશમીના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા બપોરે સંતરામ મંદિરના પટાંગણમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પંજાબી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં દાંડિયા રાસ, વિવિધ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. ઘોડાવાળા રથ પર સવાર થઈ યુદ્ધ લડતાં હોય તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડુમરાલ બજાર, સમડી ચકલા, દેસાઈવાળી થઈ ચકલાસી ભાગોળ થઇ હેલીપેડ પર પહોંચી હતી.
સાંજના સાત વાગ્યાના સુમારે નડિયાદ હેલીપેડના ગ્રાઉન્ડમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
નડિયાદમાં ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી. આદિવસે શુભ મુહૂર્તના લોકોને નવા વાહનોની ખરીદી કરી હતી. લોકોએ શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી તેમજ પૂજા કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ