નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 100 થી વધુ ગામોમાં ખેડૂતોએ મોટાભાગે કપાસનું વાવેતર કર્યું છે. દર વર્ષે સૌથી વધુ કપાસનો પાક તિલકવાડા તાલુકામાં સારો ઉતરે પણ છે. આ વર્ષે વરસાદ પણ સારો થયો છે. પણ છેલ્લા પાક માટે કેટલાક વખતથી તિલકવાડા તાલુકામાં વરસાદ થયો ન હોવાને કારણે તીલકવાડા તાલુકામાં કપાસનો પાક સુકાવા માંડ્યો છે. ત્યારે નર્મદાની શાખા કેનાલોમાંથી પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર દર વર્ષે સરકાર દ્વારા 31 ઓક્ટોબરના રોજ પાણી છોડવામાં આવે છે. પણ આ વર્ષે વરસાદ બંધ થયો હોવાથી 31 ઓક્ટોબરને મહિના જેવો સમય બાકી છે. ત્યાં સુધીમાં જો પાણી ન છોડાય તો કપાસનો મહામૂલો પાક સુકાઈ જાય તેમ છે અને ખેડૂતોને કરોડોનું નુકસાન થાય એવી સ્થિતિ છે ત્યારે ખેડુતો પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. જો તાત્કાલિક પાણી ન મળે તો કપાસનો પાક સુકાઈ જવાથી ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. આ અંગે નર્મદા કોંગ્રેસના પ્રવક્તા મલંગભાઈ રાઠોડે જણાવ્યું છે કે અમારી સરકાર અને વહીવટી તંત્રને વિનંતી છે કે શાખા કેનાલોમાં વહેલી છોડવામાં આવે તો પાણી મળી જાય તો કપાસના પાકને જીવનદાન મળી શકે એમ છે. નહીંતર પાક સુકાઈ જશે તો ખેડૂતોને મોટુ નુકશાન થઈ શકે એમ છે.
દીપક જગતાપ, રાજપીપળા